વડોદરા, તા. ૩૦

શહેર નજીક સિંધરોટ ગામની સીમમાં આવેલા ખેતરમાં બનાવેલા શેડમાં ગત મોડી સાંજે એટીએસની ટીમે દરોડો પાડવાની ઘટનામાં રાતભર પોલીસ કાફલાએ એફએસએલની ટીમ સાથે ઘનિષ્ટ તપાસ અને ચકાસણી હાથ ધરી હતી જેમાં શેડમાં અત્યંત મોંઘુ એવા મેફેડ્રોન ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થતાં શહેર-જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. સવા માસથી આ રીતે ગેરકાયદે ડ્રગ્સની રીતસર ફેકટરી ધમધમતી હોવા છતાં સ્થાનિક પોલીસને તેની ગંધ સુધ્ધા નહી આવતા શહેર-જિલ્લાનું પોલીસ તંત્ર ઘોર નિંદ્રામાં ઉંઘતુ ઝડપાયું છે. એટીએસની ટીમે આ શેડમાં ચાલતી ડ્રગ્સની ફેકટરીનો પર્દાફાશ કરી અધધ કહેવાય તેટલા ૪૭૮.૬૫ કરોડનું ડ્રગ્સ અને ડ્રગ્સ બનાવવાના કેમિકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી મુખ્ય આરોપી સહિત પાંચની ધરપકડ કરી હતી.

ગુજરાત એટીએસના નાયબ પોલીસ અધિક્ષક એલ.એલ.ચૈાધરીને માહિતી મળી હતી કે નડિયાદનો મોહંમદ શફી અને તેના સાગરીતોએ વડોદરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં માદકદ્રવ્ય મેફેડ્રોનની ફેકટરી શરૂ કરી છે. આ માહિતીના આધારે એટીએસની ટીમોએ ટેકનીકલ અને હ્યુમન રિર્સોસીસના આધારે ગુપ્ત રાહે તપાસ શરૂ કરી હતી જેમાં એવી વિગતો મળી હતી કે મોહંમદશફી અને તેના સાગરીતો વડોદરા શહેર નજીક સિંધરોટ ગામની સીમમાં આવેલા ખેતરમાં બનાવેલા અને બહારથી સાવ સામાન્ય લાગે તેવા શેડમાં મેફેડ્રોન ડ્રગ્સની ફેકટરી શરૂ કરી તેમાં એમડી ડ્રગ્સનું જંગી ઉત્પાદન કરી રહ્યા છે. આ માહિતીની ગંભીરતા જાેતા જ એટીએસની ટીમનો કાફલો ગત મોડી સાંજે સ્થાનિક પોલીસ સાથે મોહંમદ શફીના શેડ પર ત્રાટકી હતી અને શેડને ચારે બાજુથી ઘેરી લઈ અંદર તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં જ આ શેડમાં ગેરકાયદે માદકદ્રવ્ય એવા મેફેડ્રોન ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાની વિગતો મળતા એટીએસની ટીમના અધિકારીઓ શેડની અંદર ગોઠવેલી ઉત્પાદન પ્રક્રિયા માટેની વ્યવસ્થા જાેઈ ચોંકી ઉઠ્યા હતા. પોલીસે ગત સાંજથી ફેકટરીમાં ઘનિષ્ટ તપાસ હાથ ધરી હતી જેમાં રાતભર ચાલેલી સર્ચ કામગીરીમાં શેડમાં ધમધમતા એમડી ડ્રગ્સની મેન્યુફેકચરીંગ ફેકટરીમાંથી ૬૩ કિલો ૬૧૩ ગ્રામ તૈયાર મેફેડ્રોન ડ્‌ગ્સ તેમજ ડ્રગ્સ બનાવવા માટેનું ૮૦ કિલો ૨૬૦ ગ્રામ તૈયાર લીકવીડ તેમજ ડ્રગ્સ બનાવવા માટેની અન્ય સામગ્રી અને મશીનરી સહિત કુલ ૪૭૮.૬૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દરોડા દરમિયાન પોલીસે મુખ્ય સુત્રધાર સહિત અલગ અલગ સ્થળેથી કુલ પાંચ આરોપીઓની પણ ધરપકડ કરી હાલમાં ફેકટરી સીલ કરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા સવા માસથી આ સ્થળે આ રીતે એમડી ડ્રગ્સની ફેકટરી ધમધમતી હતી તેમ છતાં વડોદરા શહેર કે જિલ્લા પોલીસને તેની કોઈ ગંધ સુધ્ધા નહી આવતા શહેર-જિલ્લાની પોલીસતંત્રની નિષ્ક્રિયતા વધુ એક વાર છતી થઈ છે.

ઝડપાયેલા પાંચ પૈકી ચાર આરોપીઓ વડોદરાના

એટીએસે ગઈ કાલે પાંચ આરોપીઓ (૧) ૫૭ વર્ષીય સૈામિલ સુરેશચંદ્ર પાઠક – એવરેસ્ટ સોસાયટી, બાલાજી હોસ્પિટલ પાસે, સુભાનપુરા (૨) ૪૫ વર્ષીય શૈલેષ ગોવિંદભાઈ કટારિયા - ભાગ્યલક્ષ્મી સોસાયટી, રિફાઈનરીરોડ, ગોરવા (૩) ૪૨ વર્ષીય વિનોદ ઉર્ફ પપ્પુ રમણભાઈ નિજામા -સિંધરોટ, શ્રમ મંદિરપાસે, નિઝામપુરા (૪) ૪૮ વર્ષીય મોહંમદશફી ઉર્ફ જગ્ગુ મિસ્ક્રીન દિવાન – ફૈજલ પાર્ક, ભોજાતળાવ પાસે , નડિયાદ (૫) ૪૭ વર્ષીય ભરત ભીમાભાઈ ચાવડા- પંચામૃત એપાર્ટમેન્ટ, ગોત્રીરોડ

જેલમાં ઓળખાણ થતા સલીમ ડોલાને ભાગીદાર બનાવ્યો

એટીએસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો સપાટી પર આવી હતી કે સૌમિલ પાઠકની મુંબઈમાં માદક દ્રવ્યાના ગુનામાં ધરપકડ થતાં તેને જેલભેગો કરાયો હતો. દરમિયાન જેલમાં તેનો સલીમ ડોલા સાથે ઓળખાણ થઈ હતી અને જેલમાંથી છુટ્યા બાદ સૈામિલ અને સલીમ ડોલાએ માદક દ્રવ્યના ઉત્પાદન અને વેચાણનો ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો હતો. ગઈ કાલના દરોડામાં મેફેડ્રોન ડ્રગ્સ તૈયાર કરવા માટે જે રોમટીરિયલ્સ મળ્યું છે તે મુંબઈના સલીમ ડોલા પાસેથી મેળવ્યું હોઈ પોલીસે સલીમને વોન્ટેડ જાહેર કર્યો છે.

સુત્રધાર સહિતની ત્રિપુટી રીઢા ગુનેગારો

ગઈ કાલે ઝડપાયેલા ડ્રગ્સ કૈાભાંડના પાંચ આરોપીઓ પૈકી સુત્રધાર સૈામિલ પાઠક ગત ૨૦૧૭માં મુંબઈમાં ૨૦૦ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપાતા તેની સામે ઘાટકોપર પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો છે. આ ઉપરાંત મોહંમદશફી દિવાન સામે શહેરના સયાજીગંજ પોલીસ મથકમાં ૨૦૦૪થી ૨૦૦૮ દરમિયાન હત્યાનો પ્રયાસ, હુમલા અને હત્યાના ચાર ગુના તેમજ ૨૦૧૮માં જેપી રોડ પોલીસ મથકમાં ૮ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે અને ૨૦૨૧માં કારેલીબાગ પોલીસ મથકમાં ૯ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપાવવાના ગુના નોંધાયેલા છે. જયારે ભરત ચાવડાની ગત ૨૦૦૬ અને ૨૦૧૧માં શહેરના જવાહરનગર અને છાણી પોલીસ મથકમાં કેમિકલ ચોરીના ગુનામાં સંડોવણી છે.

કેમિસ્ટ શૈલેષ કટારિયા મેફેડ્રોન ઉત્પાદનની કામગીરી સંભાળતો હતો

આરોપી શૈલેષ કટારિયા કેમિસ્ટ હોઈ તે ફેકટરીમાં મેફેડ્રોન ડ્રગ્સના ઉત્પાદનની કામગીરી સંભાળતો હતો જયારે વિનોદ નિજામ ફેકટરીમાં ચાલતી ગેરરીતીની કોઈને જાણ ના થાયે તેની તકેદારી રાખી મેફેડ્રોન બનાવવા માટે જરૂરી સામગ્રી ફેકટરી સુધી લાવવાની મહત્વની કામગીરી સંભાળતો હતો. આ બનાવમાં ટોળકી સાથે અન્ય કોણ કોણ સામેલ છે, એમડી ડ્રગ્સ તૈયાર થયા બાદ તે માર્કેટમાં કેવી રીતે વેચાણ કરવા માટે લઈ જતા હતા અને તેઓએ કઈ કઈ જગ્યાએ અને કોને ડ્રગ્સનું વેચાણ કર્યું છે તેમજ ડ્રગ્સના વેચાણની જંગી રકમનો નાણાકિય વ્યવહાર કેવી રીતે કરતા હતા તે દિશામાં એટીએસે તપાસ શરૂ કરી છે.

સૌમિલ પાઠકે ડાર્ક વેબ દ્વારા ડ્રગ્સ ઉત્પાદનની વિગતો મેળવેલી

એટીએસ ધરપકડ કરેલા પાંચ આરોપીઓ પૈકીના સુત્રધાર સૈામિલ પાઠકે એવી ચોંકાવનારી કબૂલાત કરી હતી કે તેણે ડાર્ક વેબ દ્વારા નાર્કોટિક ડ્રગ્ઝ ઉત્પાદન પ્રક્રિયાની વિગતો મેળવી હતી. તે મુખ્ય રો-મટીરિયલ્સ કેમિકલ ચોરીમાં સંડોવાયેલા ભરત ચાવડાની મદદથી મેળવ્યા બાદ સૈામિલ અને ભરતે ડ્‌ગ્સ ઉત્પાદન માટે વિનોદ નિજામાનો સંપર્ક કરતા વિનોદે કેમેસ્ટ્રીમાં બીએસસી કરી ચુકેલા કેમિસ્ટ શૈલેષ કટારિયાનો સંપર્ક કરાવ્યો હતો અને ત્યારબાદ આ બધાએ અન્ય આરોપીઓ સાથે મળીને સિંધરોટની સીમમાં ફેકટરી શરૂ કરી હતી.

પોલીસ તંત્રના મીશન ક્લિન વડોદરાનું સુરસુરિયં ુ

વડોદરા શહેર પોલીસ કમિશ્નર તેમજ જિલ્લા પોલીસ વડા દ્વારા શહેર-જિલ્લામાં મિશન ક્લિન વડોદરાના નામે લાંબા સમયથી અભિયાન ચલાવવામાં આવે છે જેમાં મોટાભાગે ગાંજા અને ચરસનો નજીવો જથ્થો ઝડપાયા છે. જાેકે વડોદરામાં આવેલા સિંધરોટની સીમમાં પાટીડ્રગ્સ તરીકે જાણીતા મેફેડ્રોન ડ્રગ્સની ફેકટરી ધમમધતી હોવા છતાં શહેર કે જિલ્લા પોલીસને કોઈ જાણકારી નહી મળતા શહેર-જિલ્લા પોલીસના મીશન ક્લિન વડોદરાનું સુરસુરિયું થયું છે.