મુંબઇ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે મંગળવારે જણાવ્યું કે તેઓ બુધવારે નવી દિલ્હીમાં તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો તેમજ પશ્ચિમ બંગાળના મુંખ્યમંત્રી મમતા બેનરજી સાથે મુલાકાત કરશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે ત્રીજી ટર્મ માટે ચૂંટાયા બાદ મમતા બેનરજી સૌપ્રથમ વખત નવી દિલ્હીની મુલાકાતે આવ્યા છે. તૃણમૂલના સુપ્રીમો દિલ્હીમાં વિપક્ષના ટોચના નેતાઓ સાથે બેઠક યોજીને ૨૦૨૪ લોકસભામાં ભાજપને ટક્કર આપવા મજબૂત વિપક્ષની સંભાવનાઓ પણ ચકાસશે.

મમતા બેનરજી કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત અન્ય વિપક્ષના નેતાઓ સાથે મુલાકાત કરીને રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય ભૂમિકા માટે તૈયારી કરી રહ્યા છે. આ બાબતે એનસીપી પ્રમુખ શરદ પવારે જણાવ્યું કે, ગત સપ્તાહે મમતા બેનરજીનો ફોન આવ્યો હતો અને તેમણે નવી દિલ્હીની મુલાકાત અંગે જણાવ્યું હતું તેમજ મળવા માટે ઈચ્છા દર્શાવી હતી. હું બુધવારે તેમને મળીશ. શરદ પવારે પેગાસસ જાસૂસીકાંડ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. શરદ પવારે જણાવ્યું કે, પેગાસસ મુદ્દે બોલવાનો આ યોગ્ય સમય નથી અમે યોગ્ય સ્થળે એટલે સંસદમાં તેની રજૂઆત કરીશું.