વડોદરા, તા.૪

ચોમાસાની ઋતુમાં પાલિકાતંત્રની કામગીરીની પોલ ખોલતા ભૂવા પડવાનો સિલસિલો યથાવત્ર રહેતાં આજે સાંજે શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન સામે ભવન્સ સ્કૂલ પાસેના ફૂટપાથ પરથી ચાલતો પસાર થઈ રહેલો યુવાન અચાનક ભૂવો પડતાં અંદર ખાબક્યો હતો. જાે કે, અન્ય રાહદારીઓ તરત જ મદદની વહારે દોડી આવતાં યુવાન માંડ બચ્યો હતો. જાે કે, ફૂટપાથની સાથે મસમોટો ભૂવો રોડ સુધી પડતાં પાર્ક કરેલી કાર પણ તેમાં ખૂંપી જતાં તેને તંત્રે ક્રેનની મદદથી બહાર કાઢી હતી. પાલિકાતંત્રની કામગીરી સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. પાલિકાતંત્રને આ અંગેની જાણ થતાં બેરિકેટિંગ કરીને કામગીરી હાથ ધરી હતી.

વડોદરા શહેરમાં ઠેર-ઠેર પડી રહેલા ભૂવાઓ પાલિકાતંત્રની પોલ ખોલી રહ્યા છે. અત્યાર સુધી વિવિધ વિસ્તારોમાં અસંખ્ય ભૂવાઓ પડી ચૂકયા છે. ચાલુ ચોમાસાની ઋતુમાં વાઘોડિયા રોડ પર રિક્ષા અને બાઈકચાલક ભૂવામાં ખાબકયો હતો. ત્યારે હજી ભૂવા પડવાનો સિલસિલો ચાલુ જ છે. આજે સાંજે મકરપુરા પોલીસ સ્ટેશન સામે ભવન્સ સ્કૂલ પાસેના ફૂટપાથ પરથી એક યુવાન ચાલતો પસાર થઈ રહ્યો હતો, ત્યારે એકાએક ફૂટપાથ બેસી જઈને મસમોટો ભૂવો પડતાં તેમાં ખાબકયો હતો. મસમોટા ભૂવામાં રાહદારી ખાબકતાં રાહદારીઓએ તેને બહાર કાઢી બચાવ્યો હતો.

જાે કે, ફૂટપાથ નીચેથી ડ્રેનેજ લાઈન પસાર થાય છે તેમાં ભંગાણ કે લીકેજના કારણે મસમોટો ભૂવો ફૂટપાથની સાથે રોડ પર પણ પડતાં ફૂટપાથ પાસે પાર્ક કરેલી કાર પણ ભૂવામાં બેસી ગઈ હતી. આ કારને જેસીબીની મદદથી બહાર કાઢી હતી. ભૂવામાં ખાબકેલા રાહદારી યથપાલ ગોહેલે કહ્યું હતું કે, તે નંદેસરી નોકરી કરીને પરત ઘરે આ સ્થળેથી ચાલતો જતો હતો. ત્યારે અચાનક ફૂટપાથ પર ભૂવો પડતાં તેમાં ખાબકયો હતો. જાે તેને બહાર કાઢવા એક-બે વ્યક્તિએ મદદ ના કરી હોત તો કદાચ બચી શક્યો ન હોત. તેણે તંત્ર સામે રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આ સ્થળ સ્કૂલ છે, નાનાં બાળકો અવરજવર કરે છે. દિવસે જાે આ ઘટના સર્જાઈ હોત તો મોટી દુર્ઘટના થાત તેવી શક્યતા પણ વ્યક્ત કરી હતી. પાલિકાતંત્રને આ અંગેની જાણ કરાતાં સ્થળ પર પહોંચેલા અધિકારીઓએ ભૂવાને બેરિકેટીંગ કરીને કયા કારણોસર ભૂવો પડયો તેની તપાસ હાથ ધરી હતી.

શહેરમાં અગાઉ રિક્ષા, બાઇકચાલક સહિત યુવક ખાડામાં ખાબક્યા હતા

કોર્પોરેશનની બેદરકારીને કારણે રિક્ષા ચાલકનો જીવ જાેખમમા મૂકાયો હતો ત્યારે મહિના અગાઉ સોમા તળાવથી પરિવાર ચોકડી તરફ જતા રિક્ષા ચાલકને ગુરુકુલ ચાર રસ્તા પાસે મસમોટા ભૂવામાં રિક્ષા ખાબકી હતી. આજ મસમોટા ભૂવામાં વહેલી સવારે ખંટબા ખાતે રહેતો બાઇક ચાલક પણ આ ખાડામાં પડ્યો હતો. ઉપરાંત પાંચ દિવસ અગાઉ પણ વૃંદાવનથી વાઘોડિયા તરફ જવાના રસ્તે એક વ્યક્તિ રસ્તો ઓળંગતી વખતે ગટરના ખુલ્લા મેનહોલમાં ખાબકી હતી.