બહેનો, તમારો તાપ એટલો પડ્યો કે આ બિલ વિ૫ક્ષે પાસ કરવું પડ્યું: વડાપ્રધાન

વડોદરા, તા.૨૭

શહેર ભાજપા દ્વારા આયોજિત નારી શકતી વંદન કાર્યક્રમમાં સંબોધતા વડાપ્રધન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, તમે એમ ન માનતા કે આ બધા સુધરી ગયાં, પણ તમારો તાપ એટલો પડ્યો કે આ બિલ પાસ કરાવવું પડ્યું, ૩ દાયકા સુધી આ બિલ અટકાવવા જેટલાં ખેલ થાય એટલાં કર્યા એકબીજા સાથે મેચ ફિક્સિંગ કરતા હતા. હવે આ લોકોએ નારી શક્તિના ભાગલાં પાડવાનું ષડયંત્ર કર્યુ છે. ગઠબંધને મહિલા અનામત બિલને મનથી સમર્થન નથી કર્યું, કમને કર્યું છે એટલે તેનાંથી ચેતતા રહેજાે, આ ઈન્ડિયા નહીં ઘમંડિયા ગઠબંધન છે, તેવી ટીકા પણ તેમણે કરી હતી.

વડોદરા શહેર ભાજપ દ્વારા આજે નવલખી મેદાન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આયોજીત નારી વંદન કાર્યક્રમમાં વડોદરા શહેર-જિલ્લો તેમજ આણંદ, ખેડા થી એસટી બસો, ફોરવ્હિલર સહિત વાહનોમાં મોટી સંખ્યામાં મહિલાઓને લાવવામાં આવી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લી જીપમાં નવલખી મેદાનમાં મહિલાઓનું અભિવાદન ઝીલતા પહોંચ્યા હતા.વડાપ્રધાન મોદીએ સભાને સંબોધતા કહ્યું હતંુ કે, ત્રણ દશકો સુધી આ લોકોએ મહિલા અનામતનો કાયદો પાસ ન કર્યો. આ લોકોને જરા પૂછજાે ટ્રીપલ તલાક માટે કાયદો લઈને આવ્યા ત્યારે તમે મુસ્લિમ બહેનો સાથે કેમ ઊભા ન રહ્યા. મોદી નારી શક્તિ વંદન અધિનિયમ પ્રસ્તાવ લઈને આવ્યા તો તેણે મનથી નહીં કમને સમર્થન કર્યુ છે. તેમણે કહ્યું હતંુ કે,ગુજરાતની બહેનોએ મને દિલ્હી મોકલ્યો તો અનુભવનું ભાથું પણ સાથે આપ્યું.૨૦ વર્ષ પૂર્વે ગુજરાતની સ્કૂલમાં ડ્રોપઆઉટ ૧૮ ટકાથી ઘટાડીને ૧ ટકાએ લાવી દીધો.

તેમણે એમ પણ કહ્યું હતું કે, ગુજરાતમાં સ્ત્રી-પુરુષનો રેશિયો ચિંતાજનક હતો, પરંતુ આજે બહેનોનો દબદબો છે, એ વખતે કાંઈ નહોતો. માતૃશક્તિની ભાગીદારી ખૂબ ઓછી હતી. જીવનમાં સૌથી વધારે સંઘર્ષ આપણી માતા-બહેનોને કરવો પડતો હતો. આજે ગુજરાતના ખૂણેખૂણે સફળતા જાેવા મળે છે. ૨૦ વર્ષની દીકરીને ખબર પણ નહીં હોય કે, તેની માતા-બહેનને કેવી તકલીફ પડતી. મોદીએ કહ્યું હતંુ કે,બોડેલી હતો તો મને ચાર-પાંચ દીકરી-દીકરાઓને મળવાનો મોકો મળ્યો, જેને હું આંગળી પકડીને સ્કૂલે મૂકવા ગયો હતો. આજે તેમાંથી કોઈ ડોક્ટર, એન્જિનિયર છે. આ જાેઈને ઘણો આનંદ થાય છે.

વડાપ્રધાને એમ પણ કહ્યું હતંુ કે, લોકતંત્રમાં મહિલાઓની ભાગીદારી એમના અધિકારો માટે જરૂરી હતી.ેતેમણે કેન્દ્ર સરકારની મહિલાઓ માટેની વિવિધ યોજનાનો ઉલ્લેખ પણ કર્યો હતો. ૧ ઓકટોબરથી દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલવાનંુ છે, જ્યારે લોકલ ફોર વોકલ અંતર્ગત આગામી તહેવારોમાં જેની બનાવટ દેશની હોય એવા સ્થાનિક ઉત્પાદનો ખરીદવા આવ્હાન કરતા કહ્યું હતું કે, ૨૦૪૭ સુધીમાં વિકસીત ભારત બની રહે તે માટે આ ઉત્તમ માર્ગ છે.

ગાયકવાડી શાસનમાં દીકરીઓને શિક્ષણ ફરજિયાત હતું

વડાપ્રધાને કહ્યું હતું કે, નારી સશક્તિકરણ માટે દેશમાં જે પ્રયત્નો થયાં તેમાં વડોદરાને સિમાચિહ્‌ન ગણાય છેે. ગાયકવાડી સરકારમાં દીકરીઓને ભણાવવી ફરજિયાત કરવામાં આવ્યું હતું. વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવતું હતંુ. અને જાે દીકરીઓને કોઈ ના ભણાવે તો દંડ કરવામાં આવતો હતો. વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે, વર્ષોથી એમએસ યુનિવર્સિટીમાં ચાન્સેલર તરીકે મહિલા જ આપણને માર્ગદર્શન આપતાં આવ્યાં છે.

મહિલાઓનો નિર્ણય પ્રક્રિયામાં બરાબરનો હિસ્સો હોય તે જરૂરી છે: ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીએ કહ્યું કે નારી શક્તિ વંદન અધિનિયમ કાયદાથી વુમન લેડ ડેવલપમેન્ટ અને રાષ્ટ્ર વિકાસમાં મહિલાશક્તિની ભાગીદારી વધુ સુનિશ્ચિત થશે.તેમણે કહ્યુ હતુ કે,ભારતની મહાન સંસ્કૃતિમાં પણ સદીઓથી નારીશક્તિનો મહિમા રહેલો છે અને આપણી પરંપરામાં પહેલાં દેવીશક્તિની આરાધના થાય છે. આપણી આ ગુજરાતભૂમિ તો આદ્યશક્તિની પુણ્યશાળી ભૂમિ છે. નારીવંદના તો આપણા સંસ્કાર અને સંસ્કૃતિમાં વણાયેલી છે. વધુમાં તેમણે એમપણ કહ્યુ હતુ કે,પરિવારથી પંચાયત સુધી, ઇકોનોમીથી એજ્યુકેશન સુધી અને આર્મી-નેવી-એરફોર્સથી લઈને એન્ટપ્રેનિયોરશીપ સુધી મહિલાઓની ભાગીદારી સતત વધી રહી છે.

વડાપ્રધાને ઐતિહાસિક પગલું ભર્યુ : સી.આર.પાટીલ

ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તમામને આવકાર કરતા જણાવ્યું હતું કે, વર્ષો સુધી દબાયેલી, કચડાયેલી મહિલાઓને ન્યાય આપવાનું બીડું નરેન્દ્ર મોદીએ ઝડપ્યું છે. નવી સંસદમાં પ્રથમ બિલ અને એ પણ મહિલાલક્ષી ‘નારીશક્તિ વંદન અધિનિયમ’ પસાર કરાવીને ઐતિહાસિક પગલું ભર્યું છે. આ બિલથી મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં ૩૩ ટકા અનામત મળશે. મહિલાઓના સર્વાંગી વિકાસ માટે નરેન્દ્ર મોદીએ લીધેલા ર્નિણયો અને યોજનાઓના અસરકારક અમલવારીથી તેના લાભ સાચા અર્થમાં મહિલાઓ સુધી પહોંચ્યા છે.

પ્રદેશ મહિલા મોરચાના મંત્રીને મંચ પર સ્થાન પણ મહામંત્રીને સ્થાન નહીં અપાતા વિવાદ

વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મંચ પર જેમને સ્થાન આપવામાં આવ્યું હતું તેમાં પ્રદેશ ભાજપા મહિલા મોરચાના મંત્રી જાનવીબેન વ્યાસ, શહેર ભાજપા મહિલા મોરચાના કલ્પનાબેન પટેલને સ્થાન આપવામાં આવ્યું હતંુ. જાેકે, અકોટા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ મહિલા મોરચાના મહામંત્રી સીમાબેન મોહિલેને સ્થાન નહીં આપતાં વિવાદ સર્જાયો હતો. શહેર ભાજપા વર્તુળોમાં આ અંગેની ચર્ચા પણ શરૂ થઈ છે.

સભામાં આવતાં લોકોનું પોલીસ દ્વારા ચેકિંગ

જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોય ત્યારે તેમની સભામાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. સભા આવનાર ભાજપના કાર્યકરો સહિત તમામ લોકોનું એન્ટ્રી ગેટ પર સઘન ચેકિંગ કરાતું હતું ત્યારબાદ તેમને સભા સ્થળ પર બેસવા માટેની એન્ટ્રી પોલીસ દ્વારા આપવામાં આવતી હતી.

આણંદ-ખેડાની મહિલાઓને ચાલતા બસ સુધી જવું પડ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રવચનમાં આણંદ, ખેડા તેમજ શહેર જિલ્લામાંથી મોટી સંખ્યામાં મહિલાઓ બસ મારફતે સભા સ્થળ પર આવી હતી. બસ સભા સ્થળે મૂકીને જે તે પાર્કિંગ સ્થળે પરત ફરી હતી. જાેકે સભા પૂર્ણ થતાં જ મોટી સંખ્યામાં આવેલી મહિલાઓ ઘર તરફ જવાની વાટ પકડી હતી. જાેકે, બસ સભા સ્થળે ન આવતાં કેટલીક મહિલાઓને સભા સ્થળથી પાર્કિંગ સ્થળે ચાલતા ચાલતા બે થી ત્રણ મીટર દૂર ભૂંતડીઝાંપા પાર્કિંગ સ્થળ પર જવું પડ્યું હતું.

પી.એમના આગમન પહેલાં મહિલાઓ ગરબે ઘૂમ્યાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવલખી મેદાન ખાતે જાહેર સભા સબોધવા આવે તે પહેલા મોટી સંખ્યામાં વડોદરા શહેર-જિલ્લા, ખેડા તેમજ આણંદથી નારી વદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ સભા સ્થળે આગમન થાય તે પહેલા મોટી સંખ્યામાં મહિલાઓ નારી શક્તિ વંદન કાર્યક્રમના બેનરો સાથે ગરબે ઘૂમ્યા હતાં.

ચારથી પાંચ મહિલા પોલીસ કર્મીને ચક્કર આવ્યાં

બંદોબસ્તમાં મોટી સંખ્યામાં મહિલા પોલીસ કર્મીઓ પણ હાજર હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર મંચ પરથી જયારે સભા સંબોધતા હતા તે સમયે એક પોલીસ મહિલા કર્મચારીને ચક્કર આવતા તે ઢળી પડી હતી. જયારે એન્ટ્રી ગેટ તેમજ ડોમમાં હાજર બે-ત્રણ મહિલા પોલીસ કર્મચારીઓ વોમિટિંગ થતાં તેમને ફરજ પરથી આરામ કરવા માટે ફ્રી કરાયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ડૂપ્લિકેટ આકર્ષણનું કેન્દ્ર

નવલખી ખાતે વડાપ્રધાનની જાહેર સભામાં શહેરના ભૂપેન્દ્ર પટેલ સભા મંડપમાં આવતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. નવલખી મેદાન ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલા સમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તે સભા સંબોધવા આવ્યા હતાં ત્યારે આજ રોજ સભા મંડપમાં શહેરના ભૂપેન્દ્ર પટેલ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.

ત્રણ મહિલા કાઉન્સિલરોના નામ કેમ ભૂલાઈ ગયા ? બે કાઉન્સિલરો રડી પડ્યાં!

વડાપ્રધાન બોડેલીથી હેલિકોપ્ટર દ્વારા નવલખી સભાસ્થળે આવે ત્યારે મંચની પાછળ ભાજપાના ચૂંટાયેલા કાઉન્સિલરો વડાપ્રધાનને મળે તે માટેનું આયોજન કરાયું હતું. મળતી માહિતી મુજબ આ સંદર્ભે ભાજપાના તમામ મહિલા કાઉન્સિલરોને તેની ટેલીફોનિક જાણ કરવામાં આવી હતી. અને તે મુજબ તમામ મહિલા કાઉન્સિલરો પહોંચ્યા હતા. જાેકે, મળતી વિગતો મુજબ ભાજપાના મહિલા કાઉન્સિલરો પૈકી બે કાઉન્સિલરો સ્નેહલબેન પટેલ અને તેજલબેન વ્યાસનંુ લિસ્ટમાં નામ જ ન હોવાથી ઉપરાંત રીટા સિંગના નામમાં સ્પેલિંગ મિસ્ટેક હોવાથી જવા નહીં દેતા મળી શક્યા ન હતા. આમ છબરડાના કારણે ૩ મહિલા કાઉન્સિલરો વડાપ્રધાનને મળી શક્યા ન હતા. જાેકે, લિસ્ટમાં નામ જ ન હોવાથી વડાપ્રધાનને મળી નહીં શકનાર મહિલા કાઉન્સિલર સ્નેહલબેન પટેલ અને તેજલબેન વ્યાસ રડી પડ્યાં હોવાનંુ તેમજ નારાજગી વ્યક્ત કરી હોવાનું જાણવા મળે છે. તેઓએ બે નામો જ કેવી રીતે નીકળી ગયા? તેમ પૂછ્યું હતું. ત્યારે બીજી તરફ ભાજપાના ચૂંટાયેલા તમામ કાઉન્સિલરોના નામો મોકલવામાં આવ્યા તો આ બે જ કાઉન્સિલરોના નામ કેવી રીતે રહી ગયા? યાદી કોણે બનાવી અને મોકલાવી હતી તે અંગે પણ શહેર ભાજપામાં ચર્ચા શરૂ થઈ છે.

મંચ પર કોણ કોણ ઉપસ્થિત

મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર.પાટીલ, મેયર પીન્કીબેન સોની, સાંસદ રંજનબેન ભટ્ટ,ધારાસભ્ય મનીષાબેન વકીલ,વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેન મહિડા, ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નયનાબેન પટેલ,ભાજપા મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો.જ્યોતીબેન પંડ્યા, પ્રદેશ ભાજપાના મંત્રી જાનવીબેન વ્યાસ, વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલબેન અમીન અને વડોદરાના ગાયનેકોલોજીસ્ટ ડો.વંદનાબેન પટેલ,શહેર ભાજપા મહિલા મોરચાના કલ્પનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

મહિલા કાઉન્સિલરોને લાલીલિપસ્ટિક નહીં લગાડી આવવા સૂચના હતી?

શહેર ભાજપાના અંતરંગ સૂત્રોમાં ચાલતી ચર્ચા મુજબ વડાપ્રધાન આગમન સમયે મહિલા કાઉન્સિલરોને મળવાના હોવોથી મહિલા કાઉન્સિલરોને લાલી, લિપસ્ટિક નહીં લગાડી આવવા તેમજ વાળ છુટા નહીં રાખવાની સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. ત્યારે આ સૂચના કોણે અને કોના કહેવાથી મહિલા કાઉન્સિલરોને આપવામાં આવી તે અંગે પણ અનેક તર્ક વિતર્ક સાથે ભાજપા મોરચે આ વાતને લઈ ચર્ચાઓ શરૂ થઈ છે. જાેકે, આ અંગે ભાજપ મોરચે ખળભળાટ પણ મચ્યો હોવાનો જાણવા મળે છે.

પી.એમએ લીલો ચેવડો, સેવ ઉસળ ફરી યાદ કર્યાં

વડાપ્રધાને કહ્યું કે, મારા જીવનના ઘડતરમાં અનેક પરીબળોનું યોગદાન રહ્યું છે, પણ વડોદરાએ તો મને દીકરાની જેમ સાયવ્યો છે. જ્યારે વડોદરા આવું એટલે ઘણીબધી જૂની યાદો તાજી થઈ જાય. મારી શાસ્ત્રી પોળ, રાજમહેલ રોડ, વાડી, માંજલપુર, બાજવાડા, ઘડિયાળી પોળ, મકરપુરા, સમા, અકોટા, ગોત્રી, રાવપુરા, કારેલીબાગ, દાંડિયા બજાર આર.વી.દેસાઈ રોડ, તમારી વચ્ચે એટલો બધો સમય વિતાવ્યો છે કે, યાદોનો ભંડાર ભર્યો પડ્યો છે. વડોદરા આવો એટલે લીલો ચેવડો, સેવઉસળ, ભાખરવડી બધું યાદ આવે.

એક મહિલા કાઉન્સિલરને ચક્કર આવતાં પડી ગયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમ સ્થળે આવતા મંચ પાછળ ભાજપાના મહિલા કાઉન્સિલરની મુલાકાત લીધી હતી. જાેકે, વડાપ્રધાનના આગમનની રાહ જાેઈ રહેલાં મહિલા કાઉન્સિલરો પૈકી એકને તડકો કે ડી હાઈડ્રેશનના કારણે વોર્ડ નં-૧૨ના કાઉન્સિલર ટ્‌વીંકલબેન ત્રિવેદીને ચક્કર આવતા પડી ગયાં હતાં. જાેકે, મંચ પર ઉપસ્થિત વડાપ્રધાનની સુરક્ષા માટે તૈનાત જવાનોએ તુરંત મંચ પરથી પાણીની બોટલ આપી હતી.જ્યારે સ્થળ પર હાજર તબીબોએ પણ તેમને ચેક કરીને જ્યૂસ આપ્યું હોવાનું જાણવા મળે છે. મુખ્ય મંત્રીએ પણ તેમના તબીયતની પૃચ્છા કરી હોવાનું જાણવા મળે છે. જાેકે, તેઓ વડાપ્રધાનને મળ્યા હતા. બાદમાં તેમને ડોમમાં લાવવામાં આવ્યા હતા.તેમ જાણવા મળે છે, જ્યારે અન્ય કાઉન્સિલર પારૂલબેન પટેલને પણ ચક્કર આવ્યા હોવોનું જાણવા મળે છે.

પ્રવચન ચાલું હતું અને મહિલાઓ રવાના થતાં ખુરશીઓ ખાલીખમ

ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના પ્રવચન બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સભાને સંબોધી હતી. નારી શક્તિ વંદન કાર્યક્રમમાં જાહેર સભા સબોધવા આવેલા નરેન્દ્ર મોદીના ચાલતા પ્રવચનમાં કેટલીક મહિલાઓ ઘરે જવા રવાના થતાં સભા મંડપમાં મુકેલ ખુરશીઓ ખાલીખમ જાેવા મળી હતી.

સભા સ્થળ પર મોદીનું હેલિકોપ્ટર આવતાં મોદી મોદીના નારાં લાગ્યાં

વડાપ્રધાન, મુખ્ય પ્રધાન તેમજ ગુજરાત ભાજપ પ્રમુખ બોડેલીથી કાર્યક્રમ પતાવીને સીધા નવલખી મેદાન ખાતે સભા સબોધવા સભા સ્થળે સીધા હેલિકોપ્ટરથી આવ્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હેલિકોપ્ટર જયારે સભા સ્થળે નવલખી મેદાન ખાતે આવતાની સાથે જ મોટી સંખ્યામાં હાજર મહિલા કાર્યકરો દ્વારા મોદી મોદીના નારા લગાવ્યા હતાં.