અમદાવાદ-

કોરોનાના કેસોમાં જાેરદાર ઉછાળો થતાં કાલુપુર રેલ્વે સ્ટેશન પર માર્ચ મહિનામાં મુસાફરોની સંખ્યામાં ભારે ઘટાડો જાેવા મળ્યો છે, જે ફેબ્રુઆરી અને જાન્યુઆરીની સંખ્યાની તુલનામાં લગભગ ૫૦ ટકા ઘટી ગયો છે. અમદાવાદ રેલ્વે સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા મિનિટમાં ટિકિટ્‌સ રદ કરવામાં આવી હોય તેવું ઘણીવાર બન્યું છે. જાે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ૧૦% ટિકિટ રદ કરવામાં આવી હોય તો માર્ચના મધ્યભાગથી આ આંકડો ૩૦% થઈ ગયો અને એપ્રિલમાં તે ૫૦% અથવા તેનાથી વધુ છે.

સીનિયર ડિવિઝનલ રેલવે મેનેજર રવિન્દ્ર શ્રીવાસ્તવે જણાવ્યું કે મુસાફરોની સંખ્યામાં ડ્રામેટિકલી ઘટાડો થયો છે. કેટલાક રાજ્યોએ આરટી-પીસીઆર પરીક્ષણોને ફરજિયાત બનાવ્યા છે, તો બીજી તરફ કોરોનાના કેસોમાં વધારો થતાં લોકોએ બહાર ફરવા જવાના પ્લાન્સ કેન્સલ કરી દીધા છે. હાલ જે મજબૂર છે તેવા લોકો જ મુસાફરી કરી રહ્યા છે. જ્યારે કેઝ્યુઅલ મુસાફરો તેમની ટિકિટ્‌સ રદ કરી રહ્યા છે.

એક રેલવે અધિકારીએ જણાવ્યું કે, પૂણેથી અમદાવાદની દુરંતો એક્સપ્રેસ માટે સોમવારે ૩ ટાયર એસી સેગમેન્ટમાં ૫૫૦તી વધુ ટિકિટ ઉપલબ્ધ હતી. જે પુણેથી રાત્રે ૯.૩૫ વાગ્યે રવાના થવાની હતી. સોમવારે બપોરે લગભગ ૫૫૦ ટિકિટ એવાઈલેબલ હતી, જ્યારે ૨ ટાયર એસીમાં ૧૩૧ બેઠકો ઉપલબ્ધ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે રાજધાની એક્સપ્રેસનું ભાડુ ડિમાન્ડ સાથે બદલાય છે, પરંતુ સોમવારે ૩-ટાયર એસીનું ભાડુ ૧,૪૭૫ રૂપિયા હતું. પ્રસ્થાનના એક અઠવાડિયાની અંદર ટ્રેન ભાડામાં નોંધપાત્ર વધારો થાય છે અને સામાન્ય રીતે ૩-ટાયર એસી ટિકિટ માટે ૨ હજાર રૂપિયા કરતા વધારે હોય છે.