વડોદરા શહેર તેની સંસ્કૃતિ અને સભ્યતાથી વિશ્વભરમાં ઓળખાય છે. આ શહેરમાં માણસ તો શું કોઈ પ્રાણી, ઇવન કૂતરાઓ પણ ભૂખ્યા સૂતા હોય એવું ના બને. વડોદરામાં મોડી રાત્રે તમે લટાર મારવા નીકળશો તો શેરીમાં રખડતાં કૂતરાઓને બિસ્કિટ નાખવા નીકળતાં અનેક દયાળું જાેવા મળશે. આવી જ રીતે ભૂખ્યાઓને જમાડતા અને ખુલ્લામાં સૂતેલા લોકોને ધાબળાં ઓઢાડતાં લોકો પણ જાેવા મળશે. જાેકે, વડોદરા શહેરના વહીવટી તંત્રની વાત આવે ત્યારે શહેરની સંસ્કૃતિ હંમેશા લજવાતી હોવાના કિસ્સાઓ અનેક વખત પ્રકાશમાં આવ્યા છે. આજે ફરી એકવાર એક ગરીબ પરિવાર તેનું તાજું જન્મેલું બાળક શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં છેલ્લા ૧૮ દિવસથી સારવાર હેઠળ હોવાથી ફૂટપાથ પર રહેવા મજબુર બન્યો છે! આ પરિવારે લોકસત્તા જનસત્તાના પ્રતિનિધિને જણાવ્યું હતું કે, અહીં એસએસજીમાં રહેવાની સુવિધા તો છે પણ તેના માટે વ્યક્તિ દીઠ રોજના રૂપિયા ૭૫ ચૂકવવા પડે છે, જે અમને પોસાય તેમ નથી, એટલે નાછૂટકે અમે છેલ્લા ૧૮ દિવસથી ફૂટપાથ પર દિવસો વિતાવી રહ્યા છીએ. વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ આજુબાજુના વિસ્તારો માટે એક માત્ર મોટી સરકારી હોસ્પિટલ હોવાથી નજીકના જિલ્લામાંથી ક્રિટિકલ દર્દીને અહીં રીફર કરવામાં આવે છે. ખાસ કરીને દાહોદ, પંચમહાલ, રાજપીપળા ઉપરાંત મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના પણ ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાંથી ગરીબ પરિવારો અહીં આવતા હોય છે. આ લોકો માટે વિનામૂલ્યે રહી શકે એવી કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. આ વિશે જયારે એસએસજીના તંત્રને પૂછવામાં આવે છે ત્યારે તે કોર્પોરેશનને જવાબદાર ઠેરવે છે અને કોર્પોરેશન એસએસજી પર ઢોળી દે છે.

વિશ્રામ સદન માત્ર શોભાના ગાંઠિયા સમાન: વ્યકિતદીઠ રોજના રૂપિયા ૭૫ વસૂલાતા હોવાથી ગરીબ પરિવારો માટે આ આશ્રયસ્થાન નકામું સાબિત

મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી અદ્યતન સુવિધાઓમાં વધારો કરવા માટે વિશાળ કાર્યક્રમો યોજવામાં આવે છે, પરતું સુવિધાનો લાભ કોને મળશે તેમજ તેનો લાભ કોણ લઈ શકશે તેવા કોઈ પણ પ્રકારના આયોજન વિના માત્ર ઉદ્યાટન કરીને સંતોષ માની લેવામાં આવે છે. જાેકે, સામે આવી રહેલા કિસ્સાઓમાં મંત્રીઓ દ્વારા લોકાપર્ણ કરાતી આ યોજનાઓ શોભાના ગાંઠિયા સમાન પૂરવાર થઈ રહી છે.

થોડા મહિના અગાઉ જ સયાજી હોસ્પિટલની સામે વિશ્રામ સદનનું મોટાપાયે ઉદ્યાટન કરવામાં આવ્યું હતું. ઉદ્યાટનની પ્રાંરભે અગ્રણીઓ દ્વારા મફત રહેવા માટેની સુવિધાની વિચારણા કરવામાં આવી હતી.પરતું પછીથી એક વ્યક્તિ પાસેથી પંચોત્તેર રુપિયા પ્રતિ દિવસ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવતો વર્ગ જેમાં રોજબરોજનું કાર્ય કરીને ગુજરાન ચલાવતા લોકો તેમજ અંત્યંત ગરીબ વર્ગના પરીવારો મોટાભાગે આવતા હોય છે. ત્યારે મૂળ દાહોદ, લીમખેડાનું તડવી પરીવાર છેલ્લા અઢાર દિવસથી ફૂટપાથ પર રહીને તેમના સ્વજનોની સારવાર કરાવી રહ્યું છે. આજે તેમની સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતુ કે, ગત તા. ૧૯ મેના રોજ તેમની પૂત્રવધુને પ્રસૃતિ બાદમાં નવજાતને સમસ્યા થતા તેને ગત તા. ૨૪ મેના રોજ સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિશયન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યું હતું. છેલ્લા અઢાર દિવસથી દાખલ નવજાત બાળક અને તેની માતાની સંભાળ રાખવા માટે તેના સાસુ, માતા અને નંણદ પણ હોસ્પિટલમાં જ રોકાયા છે. તમામ છેલ્લા અઢાર દિવસથી તાત્કાલિક વિભાગની બહાર આવેલા ફૂટપાથ પર રહે છે. તેમની સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, તેમને પીડિયાટ્રિશયન વોર્ડમાંથી નર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પંચોત્તેર રુપિયામાં રહેવાની સગવડ દર્દીઓના સગાંને આપવામાં આવે છે, પરતું તેઓ ત્રણ જણ હોવાથી તેમને પોસાય તેમ નથી. તે સિવાય જમવા અને ચા – નાસ્તા માટેની પણ સગવડ કરવાની હોવાથી તેમને પોસાય તેમ નથી માટે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી અહિંયા ફૂટપાથ પર રોકાયા છે.

અહીયા ગત તા. ૧ જૂનના રોજ આ પરિવારનો મોબાઈલ પણ ચોરાઈ ગયો હતો, પરતું મજબૂરી વશ આ પરિવારે અહીંયા રહેવું પડે છે.

ભિક્ષુકો માટે શેલ્ટર હોમ પણ દર્દીઓના સ્વજનોને રહેવા કોઈ વ્યવસ્થા નહીં!

વડોદરા :વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટપાથ પર રહેતા લોકો માટે શેલ્ટર હોમ બનાવ્યા છે. તાજેતરમાં જ ૮ જેટલા શેલ્ટર હોમના સંચાલન અને નિભાવણીની જવાબદારી સંસ્થાઓને સોંપવામાં આવી છે. પરંતુ ખાસ કરીને સયાજી હોસ્પિટલમાં આવતાં ગરીબ દર્દીઓના સ્વજનોને વિનામૂલ્યે રહી શકે તેની કોઈ વ્યવસ્થા નથી. ત્યારે કોર્પોરેશન દ્વારા સયાજી હોસ્પિટલની પાસે આવું શેલ્ટર હોમ બનાવવાની જરૂર છે.વડોદરા શહેરમાં ઠંડી, વરસાદમાં ફૂટપાથ પર સૂતા ભિક્ષુકો, શ્રમજીવીઓ રાત્રે રહી શકે તે માટે લાલબાગ બ્રિજની નીચે સહિત વિવિધ સ્થળે શેલ્ટર હોમ બનાવ્યા છે. પાલિકાતંત્ર દ્વારા પોલીસની મદદથી ફૂટપાથ પર સૂઈ જતાં ભિક્ષુકોને ગાડીમાં બેસાડીને ભિક્ષુકગૃહમાં છોડવામાં આવતા હતા, પરંતુ તે કામગીરી છેલ્લાં કેટલાંક સમયથી બંધ કરાઈ છે. જાે કે, થોડા સમય પૂર્વે જ પલંગ, ગાદલાં સહિતની સુવિધાઓ સાથે બનાવવામાં આવેલા શેલ્ટર હોમ પૈકી ૮ શેલ્ટર હોમના સંચાલન અને નિભાવણીની જવાબદારી ખાનગી સંસ્થાને સોંપવામાં આવી છે. પરંતુ જ્યાં સર્વાધિક જરૂરિયાત છે અને ફૂટપાથ પર અનેક લોકો સૂતા જાેવા મળે છે તેવા સયાજી હોસ્પિટલની આસપાસ દર્દીઓના સ્વજનોને રહેવું હોય તો વિનામૂલ્યે રહી શકે તેવી કોઈ વ્યવસ્થા નથી તેમ જાણવા મળે છે. ત્યારે આરોગ્યતંત્ર ભલે રાજ્ય સરકાર હસ્તક હોય, પરંતુ દર્દીના સ્વજનો વિનામૂલ્યે રહી શકે તે માટે પાલિકાતંત્રે વ્યવસ્થા કરવાની જરૂર છે.