લખનઉ-

સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવના પુત્રવધુ અપર્ણા યાદવે અયોધ્યામાં બનનારા રામ મંદિર માટે 11 લાખ રુપિયાનુ દાન આપ્યુ છે. અપર્ણાએ કહ્યુ હતુ કે, હું સ્વૈચ્છિક રીતે આ દાન આપી રહી છું.હું મારા પરિવારના બીજા લોકો માટે જવાબદારી લઈ શકુ નહીં. ઉલ્લેખનીય છે કે, રામ મંદિર માટે 1.50 લાખ ટીમો દેશભરમાં ફરીને દાન એકઠુ કરી રહી છે.આ સંદર્ભમાં એક ટીમ અપર્ણા યાદવની ઘરે પણ પહોંચી હતી.જેમાં આરએસએસના આગેવાનો સામેલ હતા.

અપર્ણા યાદવે કહ્યુ હતુ કે, મુલાયમ સિંહ યાદવ જ્યારે સીએમ હતા ત્યારે અયોધ્યામાં કારસેવકો પર ગોળીબાર કરવાની ઘટના દુખદ હતી.તેના પર મારે કોઈ વધારે ટિપ્પણી કરવી નથી.જે ભૂતકાળ છે તેને આપણે વર્તમાનમાં બદલી નહીં શકીએ. રામ મંદિર માટે 1500 કરોડ રુપિયા કરતા વધારે દાન આવી ચુક્યુ છે.રામ મંદિરનુ આગામી ત્રણ વર્ષમાં નિર્માણ થઈ જશે.મંદિર પરિસરમાં જોકે કોઈ પણ દાન આપનાર વ્યક્તિના નામનો ઉલ્લેખ કરવામાં નહીં આવે.