નડિયાદ : નડિયાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટી નીકળ્યો છે. ડિગ્રી ન ધરાવતાં ડોક્ટરો અત્યારે ખૂણે ખાચરે જાેવાં મળી રહ્યાં છે. આજે ખેડા જિલ્લા આરોગ્ય તંત્રએ વડતાલમાંથી બોગસ ડિગ્રી ધરાવતાં તબીબને ઝડપી પાડ્યો હતો. તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્રએ આ તબીબ પાસેથી વિવિધ પ્રકારની દવાઓ કબજે કરી પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

આરોગ્ય વિભાગના સૂત્રોએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, વડતાલ ખાતે તબીબ તરીકેની ઓળખ આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા બોગસ તબીબ મદન શાહ સામે નડિયાદ તાલુકા હેલ્થ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લાં ૮ વર્ષથી વડતાલ જૂનાં બસ સ્ટેન્ડની સામે દવાખાનાનું બોર્ડ મારી આ બોગસ તબીબ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યો હતો. નડિયાદ તાલુકા આરોગ્ય અધિકારી વિપુલ અમીન પોતાની ટીમ સાથે શુક્રવારના આ બોગસ તબીબને ત્યાં છાપો મારી તબીબને ઝડપી લીધો હતો.

નડિયાદ તાલુકા આરોગ્ય તંત્રએ વધુમાં જણાવ્યું હતું કે, આ બોગસ તબીબ પાસેથી ગર્ભનિરોધકની દવા, ગર્ભપાત કરાવવાની દવા, ગર્ભ છે કે નહીં તેની દવા તેમજ વિવિધ એલોપેથીક દવાઓ ઉપરાંત એક્સપાયરી ડેટ ધરાવતી દવાઓ પણ જપ્ત કરવામાં આવી છે. આ ઝડપાયેલો બોગસ તબીબ મદન શાહ ધોરણ ૧૨ પાસ છે. તે મૂળ રાજસ્થાનનો અને હાલ નડિયાદ વાણિયાવાડ વિસ્તારમાં આવેલાં જય મહારાજ ટાઉનશીપનો રહેવાસી છે.

બોગસ તબીબનો પુત્ર અલીણા ખાતે આયુર્વેદિક ડોક્ટર છે. આ આયુર્વેદિક તબીબ સામે પણ થોડાં સમય અગાઉ ક્વોરન્ટીન ભંગની ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે તપાસ કરનાર નડિયાદ તાલુકા હેલ્થ ઓફિસર વિપુલ અમીને જણાવ્યું હતું કે, તેમણે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ફરિયાદ નિવારણમાંથી આદેશ જારી થતાં આ અંગેની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યાર પછી તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ દાખલ થાય તેની તજવીજ હાથ ધરી દીધી છે.