રાજકોટ-

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજકોટમાં 18 લાખથી વધુ લોકોને પીવાના પાણી માટે જીવાદોરી સમાન અને ભાગ્યે જ છલકાતો આજી-1 ડેમ ઓવરફ્લો થયો છે. સતત બીજા વર્ષે આજી ડેમ છલકાતા લોકોમાં હરખની હેલી જોવા મળી રહી છે. આ ડેમ સાઈટ પર 695 મિમિ વરસાદ પડ્યો છે. હાલ ડેમમાં 1091 ક્યુસેક પાણીનો પ્રવાહ આવકમાં છે અને 1091 ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવે છે. તેથી ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતાં રાજકોટ તાલુકાના બેડી, થોરાળા, રાજકોટ, મનહરપુર અને રોણકી ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે નિર્ધારિત સપાટીએ ભરાય ગયો હોવાથી ડેમ 0.42 ફૂટથી ઓવરફ્લો થયો હતો. ડેમની સપાટી 147.52 મીટર છે, આજી ડેમની ઉંચાઈ 484 ફૂટ અને 8.84 મીટરની ઉંડાઉ ધરાવતા આ ડેમમાં 917 MCFT જીવંત જળરાશિ અને 15.48 ડેડ વોટર સાથે 944 MCFT પાણી સંગ્રહ કરી શકે છે.