ગાંધીનગર-

એક નોંધપાત્ર ડેવલપમેન્ટ મુજબ રાજ્ય સરકાર ગુજરાત પ્રીવેન્શન ઑફ એન્ટી-સોશિયલ એક્વિટિઝ(પાસા) એક્ટ, 1985 હેઠળ જાતીય અપરાધ, સાયબર ગુનાઓ, મની લોંડ્રિંગ શાર્ક અને જુગારધામોના આયોજકોને સકંજામાં લેવા માટે સુધારો કરવા માટે તૈયાર છે. સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં વટહુકમ અથવા કાયદા દ્વારા પાસા એક્ટમાં સુધારો કરવામાં આવશે. કેબિનેટે સંબંધિત અધિકારીઓને આ કાયદામાં સુધારો કરવા માટે બિલ/વટહુકમ માટે ડ્રાફ્ટ તૈયાર કરવા જણાવ્યુ છે.

આ સુધારામાં ગુનાઓની નવી કેટેગરીનો પણ સમાવેશ કરવામાં આવશે. ગુનાહિત પ્રવૃત્તિઓ જેવી કે જાતીય સતામણી, સાયબર ફ્રોડ અને જુગારને પાસા એક્ટ હેઠળ લાવવામાં આવશે. સુત્રોના જણાવ્યા મુજબ આ સુધારા વટહુકમ સ્વરૂપે હશે. સૂત્રોના જણાવ્યા મુજબ સૌથી મહત્વનો ફેરફાર એ આરોપી વિરુદ્ધ પાસા ચલાવવા વહીવટી વિભાગમાંથી પોલિસ વિભાગમાં અધિકારીની બદલીનો છે. આ ડેવલપમેન્ટના એક અધિકારીએ જણાવ્યુ કે,

હાલમાં જ્યાં પોલિસ કમિશ્નર ન હોય તેવા જિલ્લાઓમાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા હેઠળ ધરપકડનો આદેશ આપવામાં આવે છે.' હવે આઈજી લેવલના અધિકારીને પાસા હેઠળ એક્શન લેવાના અધિકાર મળશે. ઉલ્લેખનીય છે કે આરોપી ગુનેગારોને જેલના સળિયા પાછળ રાખવા માટે પોલિસ અધિકારીઓ દ્વારા અટકાયતના પગલા તરીકે પાસા એક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં પ્રતિબંધ કાયદાઓમાં તેનો મહત્તમ ઉપયોગ થાય છે.