ડભોઇ : નર્મદા બંધના ઉપરવાસમાંથી એટલેકે ઓમકારેશ્વર ડેમમાંથી ૫ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. જે પાણી સવારે નર્મદા બંધના સરદાર સરોવર માં આવતા બંધની જળ સપાટી વધતા તંત્ર દ્વારા ૨૩ ગેટ ખોલવાની ફરજ પડી છે. ૩ મીટર થી ૨૩ ગેટ ખોલી જેમાંથી ૪ લાખ ક્યુસેક પાણી નદી માં છોડાય રહ્યું છે. 

 હાલ નર્મદા ડેમ ની જળ સપાટી ૧૩૧.૨૫ મીટર પર પહોંચી છે. ઉપરવાસમાં થી હજુ પાણી વિપુલ માત્રા માં આવી રહ્યું હોય નર્મદા નિગમે સાંજે ૫ વાગે નર્મદા ડેમના અન્ય ગેટ પણ ખોલી ૫ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવાની જાહેરાત કરી છે જેના કારણે તંત્ર દ્વારા વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદીકિનારા ના ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે. સરદાર સરોવર ડેમ માંથી પાણી છોડવામાં આવતા ડભોઇ તાલુકાનાં ચાંદોદ ખાતે નર્મદા નદી સિઝનમાં પહેલીવાર અને સતત બીજા વર્ષે નર્મદા નદી બે કાંઠે થઇ છે. ઉપરવાસમાં વધુ વરસાદ થતાં નર્મદા ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. ત્યારે ડભોઇ તાલુકાના નર્મદા નદીના કાંઠા કિનારા ના ગામો કરનાળી, જુના માંડવા, ચાંદોદ, નંદેરીયા, ભીમપુરા ગ્રામવાસીઓને સાવધ રહેવા તંત્ર ની સુચના અપાઇ છે.ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે તીર્થધામ ચાંદોદ ના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ના હાલ ૮૦ પગથીયા પાણી માં ગરકાવ થયાં છે પાણીની આવક ચાલુ હોવાથી નર્મદા નદીની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. પાણી ની સારી આવક થી કાંઠા કિનારા ના લોકો માં આનંદની લહેર વ્યાપી છે.પ્રવાહને અનુલક્ષી ડભોઇ મામલતદાર જય પટેલે જરૂરી સમીક્ષા કરી હતી.