નડિયાદ : ખેડા જિલ્લામાં વિરોધપક્ષ કોંગ્રેસ બિલકુલ જ નિષ્ફળ રહ્યો છે, જેનું એક ઉદાહરણ મંગળવારે જાેવાં મળ્યું હતું. કોંગ્રેસે પાણીમાં ભજીયા તળીને વિરોધ કર્યો હતો! સત્તાધારીઓની નિષ્ફળતાના કારણે મોંઘવારી આસમાનને આંબી રહી છે ત્યારે વિપક્ષની નબળાઈના કારણે અને પરિણામલક્ષી વિરોધ ન થવાને કારણે સરકારની આંખ ઉઘાડવામાં તેઓ નિષ્ફળ રહ્યાં છે. પીસાઈ રહ્યો છે માત્ર આમઆદમી! રાજ્ય અને કેન્દ્ર સરકારમાં છેલ્લાં કેટલાંય વર્ષોથી ભાજપનું એકહથ્થું શાસન છે. તેમનાં શાસનમાં મોંઘવારીએ ગરીબોની કમર તોડી નાખી છે. ઓછામાં પૂરું કોરોનાની મહામારીને કારણે મુશ્કેલ સમય ચાલી રહ્યો છે.  

ખેડા જિલ્લાના એક પણ સત્તાધારી નેતાઓને મોંઘવારી મુદ્દે કંઈ પણ બોલવું કે વિચારવું ગમતું નથી, જ્યારે બીજી તરફ ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રજાલક્ષી વિષયોમાં સાવ પાણીમાં બેસી ગઈ હોય તેમ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. જિલ્લા કોંગ્રેસ ફક્ત પ્રદેશ કોંગ્રેસમાંથી આવતાં આદેશોનું પાલન કરવા માટે જ રચાઈ હોય તે પ્રકારનું તેમનું વલણ રહ્યું છે. આવા જ એક આદેશનું પાલન કરતાં ખેડા જિલ્લા મહિલા કોંગ્રેસ પાંખ દ્વારા પાણીમાં ભજીયા તળી મોંઘવારીના વિરોધનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. નટપુરમાં લોકમુખે સાંભળવા મળ્યું હતું કે, સત્તાપક્ષને મોંઘવારી દેખાતી નથી અને વિરોધપક્ષને વિરોધ કરતાં આવડતો નથી. શું પાણીમાં ભજીયાં તળીને કોંગ્રેસ ફક્ત ફોટોસેશન કરાવવા માગે છે? પાણીમાં ભજીયા તળીને કોંગ્રેસ પ્રજાને શું શીખવી રહી છે? શું આવાં વિરોધનું કોઈ પરિણામ આવશે? જેવાં અનેક સાવલો ઊઠી રહ્યાં છે. વિરોધનો સૂર એવો હોવો જાેઈએ જેનાંથી સત્તાપક્ષે નિર્ણયો લેવાં મજબૂર બનવું પડે! બીજી અનેક રીતે નિર્ણાયક લડત અને વિરોધ કરી શકાય તેમ હોવા છતાં ફક્ત ફોટોસેશન કરાવી ધ્યાન આકર્ષિત કરવા આવાં કાર્યક્રમ કોંગ્રેસ આપી રહ્યું હોવાનું લોકમુખે સાંભળવા મળ્યું હતું! શું આવું કરીને કોંગ્રેસ પ્રજાનાં હિત માટે નિર્ણાયક લડત આપવા સક્ષમ છે?