દે.બારીયા

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગર મધ્યે આવેલ ઐતિહાસિક ધરોહર સમા ટાવરની સુરક્ષા તથા સાચવણી માટે ટાવર ફરતે બનાવેલ લોખંડની જાળી નગરના કેટલાક લુખ્ખા તત્વો દ્વારા તોડી નાખી નુકસાન પહોંચાડવાની કોશિશ કરવામાં આવી હોવા છતાં આ મામલે જેના શિરે ટાવરની સાચવણી માટેની જવાબદારી છે.

 એવા પાલિકાના સત્તાધીશોના પેટનું પાણી પણ હાલતું નથી કારણકે પાલિકાને માત્ર નવા કામોના ઓર્ડર પાસ કરવાનું જ સારું લાગે છે અને આ તૂટી ગયેલી લોખંડની જાળી જૂની હોવાથી તેની સાચવણીમાં પાલિકાને કોઈ રસ ન હોવાનું હાલ પુરવાર થતું જાેવા મળી રહ્યું છે. દેવગઢબારિયા નગરની ઐતિહાસિક ધરોહર એવા ટાવરમાં બેસાડવામાં આવેલ ઘડિયાળ છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં જાેવા મળી રહ્યું છે અને તે બાબત નગરપાલિકાના સત્તાધીશો જાણે છે. પરંતુ પાલિકાના સત્તાધીશોને નવા કામમાં જ રસ હોવાને કારણે ટાવરની સ્થિતિ યથાવત રહેવા પામી છે.

 આ જ રીતે નગરની મધ્યમાં આવેલ ઐતિહાસિક ધરોહર સમા વિક્ટરી સર્કલની જાળી કેટલાય સમય પહેલા ગાયબ થઈ ગઈ હોવાથી આ બાબતે બારીયા નગરના જાગૃત નાગરિકો દ્વારા અવાર નવાર નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં પાલિકા દ્વારા આનો જવાબ આપવાની તસ્દી લેવામાં આવી નથી તે કેટલું યોગ્ય ગણાય ! ઐતિહાસિક ધરોહરને બચાવવી સરકારની અને પ્રજા બંનેની ફરજ છે.