વડોદરા : કોરોનાના કારણે તંત્ર દ્વારા થર્ટીફર્સ્ટની ઉજવણી પર પ્રતિબંધ હોવા છતા શહેર-જિલ્લામાં થર્ટીફર્સ્ટની ઉજવણી માટે નશો કરીને ભેગા થયેલા ત્રણ યુવતીઓ સહિત ૬૫થી વધુની પોલીસે જાહેરનામાના ભંગ અને નશાબંધીના ગુના હેઠળ અટકાયત કરી તેઓની પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

થર્ટીફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી માટે ઠેર ઠેર ડીજેના તાલે યોજાતી પાર્ટીઓમાં વિદેશી દારૂની છોળો ઉછરતી હોઈ શહેર જિલ્લા પોલીસે ગઈ કાલે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો અને ખાસ કરીને શહેર બહાર આવેલા વિવિધ ફાર્મહાઉસો અને હોટેલો પર પણ દરોડા પાડયા હતા. ગત રાત્રે કરફક્યુનો સમયગાળો શરૂ થતા જ શહેર પોલીસે તમામ સ્થળોએ વાહનચાલકોની ઘનિષ્ટ ચકાસણી શરૂ કરી હતી જેમાં થર્ટીફર્સ્ટની ઉજવણી માટે દારૂનો નશો કરીને ઘરે પરત જઈ રહેલા તેમજ નશામાં છાકટા બનીને રખડવા નીકળેલા ૩૮થી વધુ લોકોને શહેર પોલીસે ઝડપી પાડ્યા હતા અને તેઓની પાસેથી વાહનો કબજે કર્યા હતા.

આ ઉપરાંત જિલ્લા પોલીસે પણ થર્ટીફર્સ્ટની રાત્રે વિવિધ સ્થળોએ વાહન ચેકીંગ પોઈન્ટ ઉભા કર્યા હતા અને ફાર્મહાઉસ અને હોટલમાં ચેકીંગ દરમિયાન વાઘોડિયામાં ત્રણ યુવતીઓ સહિત ૯ ખાનદાની નબીરા ઉપરાંત અન્ય સ્થળેથી દારૂનો નશો કરીને ફરતા ૧૭ અને વાહનચાલતા ૧૦ સહિત કુલ ૨૭ની અટકાયત કરી હતી. નશો કરીને નીકળેલા નબીરાઓ પાસેથી પોલીસે વાહનો અને દારૂની બોટલો સહિત ૧૮ લાખથી વધુની મત્તા પણ કબજે કરી હતી. જાેકે થર્ટીફર્સ્ટની રાત્રે ઘનિષ્ટ પોલીસ ચેકીંગની જાણ હોઈ મોટાભાગના શોખીનોએ ઘરમાં જ અંગત મિત્રો સાથે શોરબકોર વિના પાર્ટીનું આયોજન કર્યું હતું.

નશો કરીને ૨૧ લાખની જીપમાં જતાં યુવકની અટકાયત

વારરસિયા પોલીસનો સ્ટાફ ગત રાત્રે ખોડિયારનગર ચાર રસ્તા પાસે વાહનચેકીંગની કામગીરીમાં હતો તે સમયે તેઓએ હરણી એરપોર્ટ તરફથી આવી રહેલી નંબરપ્લેટ વિનાની નવીનક્કોર જીપ કમ્પાસના ચાલક ૩૮ વર્ષીય આશિષ અરવિંદભાઈ પટેલ (સિલ્વર લીફ, ડભોઈરોડ)ને આંતર્યો હતો. તેનું બ્રેથ એનાલાઈઝરમાં તપાસ કરતા તેણે દારૂનો નશો કર્યો હોવાની વિગતો સપાટી પર આવતા પોલીસે તેની નશાબંધી અને નશો કરીને વાહન ચલાવવાના ગુનામાં અટકાયત કરી હતી જેમાં તેની ૨૧ લાખની જીપ પણ ગુનાના કામે કબજે કરી હતી.