સુરત-

પૂર, ભારે વરસાદ, ભૂકંપ, મહામારી, આફત, તોફાન જેવા કોઈ પણ સંકટના સમયે પોલીસ ડિપાર્ટમેન્ટ હંમેશા પોતાની ફરજ નિભાવવા માટે તૈયાર છે. હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે પોલીસકર્મીઓ જીવના જાેખમે પોતાની ફરજ ઇમાનદારીપૂર્વક નિભાવી રહ્યા છે. કોરોનાના દર્દીઓ માટે પ્લાઝમા થેરપી ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે ત્યારે હવે સુરતના પોલીસકર્મીઓ પોતાના પ્લાઝમા ડોનેટ કરવા માટે આગળ આવ્યા છે.

વૈશ્વિક કોરોના મહામારીમાં સમગ્ર દેશ પ્રભવિત થયો છે. એવામાં આ મહામારીમાં પોલીસ કર્મચારીઓ પણ બાકાત રહ્યા નથી. સુરત શહેરમાં પોલીસ બેડામાં ૬૭ જેટલા પોલીસ કર્મચારીઓ કોરોના વાયરસથી પ્રભાવિત થયા હતા. એવામાં હવે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ આગામી દિવસમાં પ્લાઝમા ડોનેટ કરીને માનવતા મહેકાવવનું કાર્ય કરશે. આ અંતર્ગત સુરત પોલીસ કમિશનર કચેરીમાં પ્લાઝમા ડોનેટ સેન્ટર પણ શરુ કરવામાં આવ્યું છે.

સુરત શહેરના નાગરિકોની સુરક્ષા કરતા પોલીસ કર્મચારીઓ દ્વાર પ્લાઝમા ડોનેટ કરવાનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. સમગ્ર વિશ્વને બાનમાં લેનાર જીવલેણ કોરોના મહામારીની સામે ઝઝૂમી રહેલ લોકો માટે સુરત પોલીસ દ્વારા પ્લાઝમા ડોનેટ કરવાનું સરાહનીય કાર્ય શરુ કરવામાં આવ્યા છે. સુરત શહેર પોલીસ ખાતામાંથી કુલ ૨૨ જેટલા પોલીસ જવાન અને પોલીસ અધિકરીઓએ પ્લાઝમા ડોનેટ કરવાની તૈયારી બતવી છે. જેઓના ટેસ્ટિંગ બાદ આ દરેક પોલીસ કર્મચારી તેમના પ્લાઝમાનું ડોનેટ કરશે.