મુંબઈ-

મુંબઈના આર્કિટેક્ટ આત્મહત્યા કેસમાં પોલીસ રીમાન્ડ અને ત્યારબાદ ટૂંકાગાળાની જેલ ભોગવીને આવેલા આર ભારતના પત્રકાર અર્નબ ગોસ્વામીનો હવે એક નવી મુસીબતે પીછો કરવાનો શરૂ કર્યો છે. બહુચર્ચિત ટીઆરપી કેસમાં હવે તેની વ્હોટ્સેપ ચેટ તેના માટે સમસ્યા ઊભી કરી રહી છે.

વાત એમ છે કે, ટીવી રેટીંગ્સ એજન્સી બીએઆરસીના પૂર્વ સીઈઓ પાર્થો દાસગુપ્તા અને અર્નબ વચ્ચેની વ્હોટ્સેપ ચેટ- કે જે આ ટીઆરપી કેસમાં મુંબઈ પોલીસ દ્વારા દાખલ કરાયેલી 3600 પાનાની ચાર્જશીટનો એક ભાગ છે તે-શુક્રવારે પોલીસને હાથ લાગી ગઈ છે. આ બાબતે સોશ્યલ મિડિયામાં ભારે ચકચાર મચાવી છે. 

આ બાબતનો બીજો જે અર્થ થતો હોય એ ખરો, પરંતુ એટલો તો જરૂર છે કે, આ રેટીંગ એજન્સીએ આર ભારત ચેનલ માટે પોતાની રેટીંગ સિસ્ટમમાં છબરડાં કરીને ચેનલને ફાયદો થાય એવું કરી આપ્યું હતું. આ માહિતી હવે આ કેસમાં અર્નબ માટે ગળામાં ફસાયેલ કાંટા જેવી પૂરવાર થવાની છે. ત્યાં સુધી કે એજન્સીએ કેટલાંક સ્ક્રીન શોટ્સ પણ ચેનલને મોકલ્યા હતા જેથી ટીઆરપી વધારવા માટે ચેનલને આઈડિયા મળી શકે. 

એવું બહાર આવ્યું છે કે, દાસગુપ્તા અને રામગઢીયાએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને રેટીંગ્સ વધારવા માટે જેને ખાનગી ગણી શકાય એવી વાતોને અર્નબ સાથે શેર કરી હતી, એટલું જ નહીં પણ રેટીંગ વધારવા માટે કયા વિસ્તારમાં ચેનલનું વધારે વિતરણ કરવું જોઈએ એ પ્રકારની માહિતી પણ આપી હતી.