વડોદરા : શહેરના કોઠી કચેરી ખાતે આવેલ મામલતદાર કચેરી ખાતે સરકારી કામ પતાવી નવી લીધેલી સાઈકલ પર પરત ઘરે જઈ રહેલી રર વર્ષીય પરિણીતાને કારેલીબાગ એલ એન્ડ ટી સર્કલ (વુડા સર્કલ) પાસે રેતી ભરેલ ડમ્પરના ચાલકે અડફેટમાં લેતાં પરિણીતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ રેતી ભરેલ ડમ્પરનો ચાલક ડમ્પરને ઘટનાસ્થળે મુકી ફરાર થઈ ગયો હતો. અકસ્માત મોતના બનાવને પગલે મોટી સંખ્યામાં લોકોનાં ટોળાં ઉમટી પડયાં હતાં અને લોકોમાં ભારે રોષની લાગણી જાેવા મળી હતી.  

છાણી નવાયાર્ડ રોડ પર રાજીવનગર અમરનગરમાં રહેતી શર્મિષ્ઠા ભાવિનભાઈ પરમાર (ઉં.વ.રર) તેના પરિવાર સાથે રહેતી હતી. તેણીના લગ્ન છ માસ અગાઉ જ તાજેતરમાં જ થયા હતા. લગ્ન બાદ તેણીની સાસરે રહેતી હતી. પરિણીતાના પતિ ભાવિન પરમાર એલ એન્ડ ટી સર્કલ મંગલપાંડે રોડ પર આવેલ હ્યુન્ડાઈ કાર શો-રૂમમાં નોકરી કરે છે. આજે તેણીની ઘરકામ પતાવીને નવી સાઈકલ લઈને કોઠી કચેરી ખાતે આવેલ મામલતદાર કચેરી ખાતે આધારકાર્ડનું કામ પતાવી તેણીની સાઈક ઉપર પરત ઘરે જઈ રહી હતી તે વખતે કારેલીબાગ એલ એન્ડ ટી સર્કલ પાસે (વુડા સર્કલ) રેતી ભરેલા ડમ્પરના ચાલકે સાઈકલને અડફેટમાં લીધી હતી. અકસ્માતના બનાવમાં પરિણીતાને ગંભીર ઈજાઓ થતાં તેણીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અકસ્માત મોતના બનાવને પગલે લોકોના ટોળાં ભેગાં થઈ ગયાં હતાં. લોકટોળામાં શર્મિષ્ઠાબેનનો પતિ પણ આવી પહોંચ્યો હતો, જ્યાં પત્નીને મૃત હાલતમાં જાેતાં જ તે સ્તબ્ધ થઈ ગયો હતો. જાે કે, લોકટોળાનો રોષ પારખી ગયેલા ડમ્પરચાલક રેતી ભરેલા ડમ્પરને ઘટના સ્થળે છોડીને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતની જાણ હરણી પોલીસ મથકને કરવામાં આવતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ડમ્પરનો કબજાે મેળવી ફરાર ચાલકની સામે ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.