ગાંધીનગર, વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ખાલી પડેલી જગ્યા માટે ત્રણ સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે. જેમાં અધ્યક્ષાપદ માટે ભાજપના એક માત્ર ડૉ. નિમા આચાર્યએ ઉમેદવારી નોંધાવી છે.ઉપાધ્યક્ષના પદ માટે ભાજપ અને કોંગ્રેસના એક એક સભ્યએ ઉમેદવારી નોંધાવી છે. સોમવારે વિધાનસભામાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે. જાે કે ગુજરાત વિધાનસભામાં પ્રથમ વખત અધ્યક્ષ પદે મહિલા સભ્ય સત્તાવાર રીતે બિરાજમાન થશે.વિધાનસભાના અધ્યક્ષ તરીકે કાર્યરત રાજેન્દ્ર ત્રિવેદીનો રાજ્યની નવી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે રાજેન્દ્ર ત્રિવેદીએ અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું હતું. જેથી આ પદ ખાલી પડ્યું છે. આ પદ ઉપર હાલમાં દુષ્યંત પટેલની કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે. વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના ખાલી પડેલા પદ માટે આજે ભાજપ અને કોંગ્રેસના સભ્યો દ્વારા કુલ ત્રણ ફોર્મ ભરવામાં આવ્યા છે. જેમાં અધ્યક્ષ પદ માટે ભાજપ તરફથી ડૉ. નિમા આચાર્યએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. જ્યારે કોંગ્રેસ દ્વારા ભાજપના ઉમેદવાર સામે કોઈ ઉમેદવાર ન ઉતારીને સમર્થન આપ્યું છે. જ્યારે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે ભાજપ તરફથી શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે. કોંગ્રેસ પક્ષ તરફથી ડૉ. અનિલ જાેશીયારાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના પદ માટેના પ્રસ્તાવને સોમવારે ગૃહમાં રજૂ કરવામાં આવશે.