હિંમતનગર : સાબરકાંઠા જિલ્લાના વડામથક હિંમતનગરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ માટે જગ્યા નથી. સિવિલના નોડલ ઓફિસરે જિલ્લા આરોગ્ય અધિકારીને આ વિશે પત્ર લખ્યો છે.  

ખાનગી હોસ્પિટલો અને અન્ય જિલ્લામાંથી જાણ કર્યા વિના દર્દીઓને અહી મોકલાઇ રહ્યાં છે. આવામાં ઓક્સિજનની ક્ષમતાથી વધુ દર્દીઓ દાખલ કરાય તો દર્દીઓના જીવન પર જોખમ થાય તેવો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ હોસ્પિટલમાં ઓકિસજનના સિલિન્ડરની અછતની ગંભીરતા સમજી તાત્કાલિક પગલાં લઈને ત્રણ હોસ્પિટલમાં કોરોના સારવાર શરૂ કરાઈ છે. જનરલ હોસ્પિટલમાં ઓક્સિજન સિસ્ટમની કેપેસિટીથી વધુ અંદાજે ૫૦ થી ૬૦ દર્દીઓ ઓક્સિજનની સારવાર લઈ રહ્યાં છે. જો ઓક્સિજન કેપેસિટીથી વધુ દર્દીઓ અહી મોકલવામાં આવે તો અંદર ઓક્સિજનની સારવાર લેતા દર્દીઓના જીવન જોખમમાં મૂકાઈ શકે છે. સિવિલ હોસ્પિટલના સર્જન આશિષ કાતરકરે જણાવ્યું કે, સિવિલમાં ૨૪ કલાકમાં ૬૦૦થી ૬૫૦ બોટલો ઓક્સિજનની જરૂર હોય છે. જેમાં દર બે મીનિટે એક બોટલ બદલવી પડે છે. આમ ૨૦ મિનીટમાં એક સાથે ૪૦ બોટલ લગાવવામાં આવે છે. પરંતુ આ માટેના રેગ્યુલેટરમાં ગમે ત્યારે ખામી સર્જાય તો મોટી દુર્ઘટના સર્જાય તેમ છે. જેને લઈને હવે સિવિલ દ્વારા ૬ ટનની ટેન્ક લગાવવા માટે મંજૂરી માંગી છે. આવામાં નોડલ ઓફિસરે પત્ર લખ્યો કે, જિલ્લાની જુદી જુદી પ્રાઈવેટ હોસ્પિટલો અને અન્ય જિલ્લાની હોસ્પિટલો દર્દીને ઓક્સિજનની જરૂરિયાત જણાતા અને દર્દી ગંભીર થતા કોઈપણ જાતની જાણ કર્યા વગર અહી મોકલી આપવામાં આવે છે. જે યોગ્ય નથી.