વડોદરા, તા.૨૫

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને રખડતા ઢોરોનો ત્રાસ અટકાવવા માટે તાજેતરમાંજ કોર્પોરેશનની મળેલી સામાન્ય સભામાં કેટલ પોલીસીને મંજૂરી આપવામાં આવી છે.ત્યારે પાલિકા તંત્ર દ્વારા તેનો અમલ શરૂ કર્યો છે જેના ભાગરૂપે છેલ્લા બે દિવસમાંત ફતેગંજ વિસ્તારમાં ૧૨ જેટલા ગૌપાલકોને ઢોરવાડા બંધ કરવા નોટિસ આપી છે. આ ઉપરાંત શહેરમાં જાહેર માર્ગો પર બેસીને ઢોરો માટે ઘાસચારો વેચનાર પાસેથી ૬૦૦ કિલો જેટલુ ઘાસ જપ્ત કર્યું છે.નવી પોલીસી મુજબ ઢોર પકડવાની કામગીરીમાં અડચણ ઉભી કરતા વાહનચાલકોની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

 વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ અટકાવવા કેટલ પોલીસીને કોર્પોરેશનની સામાન્ય સભાએ કેટલાક ફેરફારો સાથે મંજૂરી આપી છે. ત્યાર બાદ આ પોલીસીના કડક અમલ સાથે શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાના નિરાકરણ માટે મ્યુનિસિપલ કમિશનરે દબાણ શાખાના ડાયરેક્ટરને સૂચના આપી હતી. પાલિકાની ઢોર પાર્ટી દ્વારા તેમજ વોર્ડ કચેરીના સ્ટાફ દ્વારા કેટલ પોલીસી મુજબ કાર્યવાહી શરૂ કરી છે.વડોદરા શહેરમાં ગેરકાયદે બાંધી દેવામાં આવેલા ઢોરવાડા બંધ કરવાની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ઢોર પાર્ટીએ ફતેગંજ વિસ્તારમાં આવેલા ૧૨ ઢોરવાડાને નોટીસ આપી છે.

આ ઉપરાંત કોર્પોરેશનની દબાણ શાખા અને ઢોર પાર્ટી એ વડોદરા શહેરમાં ખાસ કરીને મંદિરોની આસપાસ ગાયોને ઘાસ ખવડાવવા માટે વેચાણ કરનાર સામે કાર્યવાહી કરતા ઘાસનું વેચાણ કરતા અટકાવવામાં આવ્યા હતા અને શહેરના વિવિઘ ૧૭ જગ્યાએથી ૬૦૦ કિલો જેટલુ લીલુ ઘાસ જપ્ત કર્યું હતું. ઉલ્લેખનિય છે કે, પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરોનો ત્રાસ નિવારવા માટે કડક કાર્યવાહી છતા શહેરના અનેક માર્ગો પર ગૌપાલકો દ્વારા ગાયોને છોેડી દેવામાં આવે છે.ત્યારે હવે નવી મંજૂર થયેલી કેટલ પોલીસી મુજબ હવે રખડતા ઢોરના કારણે જાે કોઈ વ્યક્તિનુ મૃત્યુ થશે તો તેના પરિવારને પાંચ લાખ સુધીનુ વળતર અને ધાયલ થયેલા વ્યક્તિને એક લાખનુ વળતર ચુકવવુ પડશે નહી તો પશુપાલકની મિલ્કત અને બેન્ક ખાતા સીઝ કરવામાં આવશે.ઉપરાંત જાે ગાયને લગાડેલો ટેગને કોઈ પશુપાલકો દ્વારા કાઢી નાંખવામાં આવ્યો હશે તો તે પુરાવાનો નાશ ગણાશે.

પાંચ થી વધુ પશુ હશે તો વ્યવસાયીક લાયસન્સ મેળવવુ પડશે

વડોદરા મ્યુનિ, કોર્પોરેશનની તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં કેટલ પોલીસીને સામાન્ય ફેરફાર સાથે મંજૂરી આપવામાં આવી છે.ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ પોલીસીનોે અમલ શરૂ કરી દીધો છે.રસ્તે રખડતા ઢોર પકડવાની સાથે હવે શહેરના જાહેર માર્ગો પર પશુઓ માટે ધાસ વેચે છે તેમની સામે પણ કાર્યવાહી હાથ ધરી છે.કેટલ પોલીસી મુજબ હવે પાંચ થી ઓછા પશુઓ હશે તો તે માટે પશુપાલકે વ્યકિતગત લાયસન્ય જ્યારે પાંચ થી વધુ પશુ હશે તો તે ગૌપાલકે વ્યવસાયીક લાયસન્સ મેળવવુ પડશે.