ગાંધીનગર-

FSLમાં રવિ પૂજારીનો હાલનો અવાજ રેકોર્ડ કરવામાં આવશે. જુના રેકોર્ડિંગ સાથે હાલનો અવાજ સરખાવવામાં આવશે. તેમાં પણ ખાસ શબ્દ ઉચ્ચારણ પર અવાજનું એનાલિસિસ કરવામાં આવશે. રવિ પૂજારી સામે ફોનથી ધમકી આપવા મામલે ગુજરાતમાં ઘણા ગુના નોંધાયા છે, ત્યારે આ ચોક્કસ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. આગામી 2 દિવસમાં FSL દ્વારા આ ટેસ્ટ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે.

રવિ પૂજારીના નામે ફોન પર ધમકી આપવાના અનેક ગુનાઓ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં નોંધાયા છે. જેમાં રવિ પુજારીએ લોકોને ધમકી આપી તેના વોઇસ સ્પેક્ટ્રોગ્રાફિ ટેસ્ટ કરવામાં આવશે. જેમા બોરસદ ખાતેના ગુનામાં ફોનથી ધમકી આપવી તે મામલે પણ તપાસ કરાશે, આ ઉપરાંત નેતાઓને પણ રવિ પુજારી દ્વારા ફોન પર ધમકી આપવાનું સામે આવ્યું છે, ત્યારે આ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે. ગાંધીનગર ખાતે જુદા જુદા ગુનામાં સંડોવાયેલા ગુનેગારોને ટેકનિકલ તપાસ માટે લાવવામાં આવે છે, ત્યારે આજે સોમવારે સવારે 11:30 કલાકે રવિ પૂજારીને પણ અહીં ગાંધીનગર ખાતે પોલીસ કાફલા સાથે લાવવામાં આવ્યો હતો. લગભગ 1થી 2 કલાક રવિ પૂજારીની વોઇસ સ્પેક્ટ્રોગ્રાફિ કરવામાં આવી હતી. પોલીસે કાયદાકીય સકાંજો કસવા ટેકનિકલ તપાસ હાથ ધરી છે.