અમદાવાદ-

વધતી જતી મોંઘવારી અને તેમાં પણ કોરોનાની મહામારીને કારણે મધ્યમ અને ગરીબ વર્ગ માટે લગ્ન પ્રસંગનો ખર્ચ ઉપાડવો મુશ્કેલ થઈ જાય છે. જેને પગલે સોમનાથ ટ્રસ્ટે એક અવકારદાયી નિર્ણય લીધો છે. જેમાં માત્ર 11,000 રૂપિયામાં જ વેદોકત, પુરાણોકત રીતે વર-વધુના લગ્ન કરી આપવામાં આવશે.

આ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ટુરીસ્ટ ફેસીલીટી સેન્ટરમાં લગ્ન મંગળ હોલ બનાવવામાં આવ્યો છે. આ હોલમાં બ્રાહ્મણ દ્વારા વેદોકત-પુરાણોકત રીતે લગ્નવિધિ કરવામાં આવશે. લગ્નવિધિ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુશોભીત આધુનિક લગ્ન હોલ, સ્ટેજ, ચોરી, મહારાજા ખુરશી, બ્રાહ્મણ, લગ્નવિધિની સામગ્રી, મહેમાનો માટેની ખુરશીની વ્યવસ્થા, તોરણ, 50 ફોટોગ્રાફ અને ડેટા સીડી, લગ્નછાબ, શ્રી સોમનાથ ભગવાનનો પ્રસાદ, સંસ્થાનું પ્રમાણપત્ર, વર-ક્ધયા માટે ફુલહાર, 250 ગ્રામ મીઠાઈ, ખેસ, આંતરપટ જેવી સુવિધાઓ આપવામાં આવશે. એ પણ માત્ર 100 રૂપિયામાં. હાલમાં કોરોનાની પરિસ્થિતિને લીધે સરકારી ગાઈડલાઈન્સ મુજબ મહેમાનોને લગ્ન પ્રસંગમાં હાજરી આપવાની મંજુરી આપવામાં આવશે. જો કે તેમના માટે જમવાની વ્યવસ્થા અલગ થી કરવાની રહેશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે સોમનાથ મંદિર વિશ્વમાં સુપ્રસિદ્ધ છે. તેથી અહીં લગ્નપ્રસંગ માટેની પુછપરછ અવારનવાર આવતી રહી છે ત્યારે હવે સોમનાથ ટ્રસ્ટના આ નિર્ણયને પગલે લોકો સોમનાથ દાદાની સાક્ષીએ લગ્ન જીવનની શરૂઆત કરી શકશે.