વડોદરા, તા. ૬

ગાંધીનગર ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલને માહિતી મળી હતી કે લક્ષ્મીપુરા પોલીસ મથકની હદમાં કેનાલ રોડ પર વિદેશી દારૂનો મોટા જથ્થાની વારસિયાનો નામચીન બુટલેગર કાલુ સિંધી ઊર્ફ કાલુ ટોપી અને તેના સાગરીતો દ્વારા કટિંગ કરવામાં આવે છે અને આજે પણ મોટો જથ્થો કટિંગ થવાનો છે. આ વિગતોના પગલે એસએમસીની પીએસઆઈ એસ.આર.શર્મા સહિતના સ્ટાફે લક્ષ્મીપુરા પોલીસ મથકની હદમાં કેનાલ રોડ પર વોચ ગોઠવી હતી. બપોરના સમયે ત્યાં નવીનક્કોર બોલેરો પિકઅપવાન આવતા જ તેમાંથી દારૂની કટિંગ માટે રિક્ષા અને એક્ટિવામાં અન્ય આરોપીઓ આવી પહોંચ્યા હતા.

તેઓ વિદેશી દારૂનું કટીંગ કરે તે અગાઉ જ ત્યાં વોચમાં ઉભી રહેલી એસએમસીની ટીમ ત્રાટકી હતી અને ઘટનાસ્થળેથી નામચીન બુટલેગર કાલુ સિંધી ઉર્ફ કાલુ ટોપી સુંદરલાલ ટેકવાની તેમજ શૈલૈષ અંબાલાલ મહિડા, હિમાંશુ ઉર્ફ ભોલો દિપક અગ્રવાલ અને મુકેશ બ્રિજલાલ ઉધાસીને ઝડપી પાડ્યા હતા. પોલીસે ચારેયની અટકાયત કરી તેઓને તમામ વાહનો સાથે લક્ષ્મીપુરા પોલીસ મથકમાં લઈ જવાયા હતા. દરમિયાન એસએમસીએ લક્ષ્મીપુરામાં સફળ દરોડો પાડ્યાની જાણ થતાં જ લક્ષ્મીપુરા સહિત શહેર પોલીસ બેડામાં દોડધામ મચી હતી. પોલીસ મથકમાં મોડી સાંજ સુધી મુદ્દામાલની ગણતરી ચાલી હતી, જેમાં બોલેરો પિકઅપ વાનમાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની ૧૫૦ જેટલી પેટીઓ મળી હોવાની વિગતો સાંપડી છે.

પોલીસે ચારેય આરોપીઓ પાસેથી વિદેશી દારૂનો જંગી જથ્થો તેમજ મોબાઈલ ફોન,રોકડ ઉપરાંત બોલેરો પિકઅપવાન, એક એક્ટિવા અને એક ઓટોરિક્શા સહિત કુલ ૨૮,૩૩,૪૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવની પીએસઆઈ શર્માની ફરિયાદના પગલે લક્ષ્મીપુરા પોલીસે ઝડપાયેલા ચાર આરોપી તેમજ લાલચંદ ઉર્ફ લાલુ સિંધી, પરેશ ઉર્ફ ચકો ચૈાહાણ, કાર્તિક મોચી, દિપક સુરેશ લેલવાણી, મોહિત દિપક અગ્રવાલ, મનોજ ઉર્ફ પાપડ, સંજયસિંગ ઉર્ફ અન્નો, દિનેશ રમેશભાઈ અને એક અજાણ્યા સહિત કુલ ૯ને વોન્ટેડ જાહેર કરી તેઓની શોધખોળ શરૂ કરી છે.

અન્ય એજન્સીના દરોડા, તો સ્થાનિક પોલીસ શું કરે છે?

શહેરના નવાપુરા, વારસિયા, પાણીગેટ અને બાપોદ પોલીસ મથકોમાં વારંવાર બહારની એજન્સીના દરોડા પડ્યાં છે, ત્યારે સવાલ આ ઊઠી રહ્યા છે કે સ્થાનિક પોલીસ મથકના પીઆઈને આ બાબતની ભનક પણ નથી આવતી? આવા દરોડા પછી સ્થાનિક પોલીસ સામે શું કાર્યવાહી કરવામાં આવે છે?