પાલનપુર : રેલવેને લઇને આબુ રોડને બે મોટી સોગાદ મળવાની છે. તેમાં એક છે વિદ્યુતીકરણનો પ્રોજેક્ટ અને બીજો સૌથી ચર્ચિત તારંગા હિલ પ્રોજેક્ટ. તારંગા હિલ પ્રોજેક્ટ માટે તાજેતરમાં અંતિમ લોકેશન સરવે પૂરો થઇ ચૂક્યો છે.હવે આ પ્રોજેક્ટ માટે જલદી કામ શરૂ થવાનું છે. તારંગા હિલ પ્રોજેક્ટની જાહેરાત ૨૦૧૪માં કરાઇ હતી.આ કામ ૨ વર્ષમાં પૂરું કરવાનું હતું પણ કોઇ કારણસર અટકી ગયું. તાજેતરમાં આ પ્રોજેક્ટ માટે લોકેશન સરવે કરાયો. આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ ગુજરાતના બે મોટા ધાર્મિક સ્થળ અંબાજી અને તારંગા હિલ આબુ રોડ સાથે રેલ લાઇનથી સીધા જોડાઇ જશે. તાજેતરના છેલ્લા લોકેશન સરવે બાદ સામે આવ્યું કે આ પ્રોજેક્ટ અંતર્ગત ૮૯.૩૮ કિ.મી. લાંબી રેલવેલાઇન બિછાવાશે. ગુજરાતનું તારંગા હિલ જૈનોનું મોટું ધાર્મિક સ્થળ છે. પ્રોજેક્ટમાં આબુ રોડથી અંબાજી, દાંતા અને સતલાસણા થઇને તારંગા હિલ સુધીની રેલવે લાઇન બિછાવાશે.તારંગા હિલ ગુજરાતનું સૌથી મોટું જૈન ધાર્મિક સ્થળ છે. .આ પ્રોજેક્ટનો સૌથી મોટો ફાયદો એ પણ હશે કે ગુજરાતના બે મોટા ધાર્મિક સ્થળ અંબાજી અને તારંગા હિલ સાથે પ્રદેશનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ સીધું જોડાશે. રેલવે સાથે સીધી કનેક્ટિવિટી હોવાના કારણે માઉન્ટ આવતા પર્યટકોની સંખ્યા પણ ઘણી વધી જશે.