વડોદરા : કલાનગરી વડોદરામાં ચરિત્ર અભિનેતા અને સાંસદ પરેશ રાવલના સુપુત્ર આદિત્ય રાવલ દ્વારા લેખિત ‘માયડીયર ફાધર’ સ્ક્રીપ્ટના ફિલ્માંકનનું શુટીંગ આજે વડોદરા શહેરની મધ્યે આવેલ ન્યાય મંદિર કોર્ટ ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં આજે ચરિત્ર અભિનેતા પરેશ રાવલ સાથે સ્થાનિક અભિનેતા, ચેતન ધનાણી, કૃણાલ પંડિત, અભિનેત્રી માન્સી પારેખ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતાં. આ ફિલ્મમાં એમ.એસ.યુનિ.ની પરફોર્મિંગ આર્ટસના નાટ્ય વિભાગના પ્રોફેસર અને સેનેટ સભ્ય રાકેશ મોદીએ ડોક્ટરનો અભિનય આપ્યો છે. જ્યારે કાસ્ટીંગ ડિરેક્ટર તરીકે જય મરચન્ટે નિર્દેશન કર્યું છે.

ગત તા.૧૩મી જુલાઇ ‘માયડીયર ફાધર’ ફિલ્મનું શુટીંગ શહેરના અલગ અલગ વિસ્તારો, અલકાપુરી, ગોત્રી, છાણી, ભાઇલાલ અમીન હોસ્પિટલ સહિત આજે શહેરના ન્યાય મંદિર કોર્ટમાં ફિલ્મમાં આવતાં દ્રશ્યનું શુટીંગ કરવામાં આવ્યું હતું. જેમાં અભિનેતા પરેશ રાવલ ઉપસ્થિત રહ્યા હતાં. અને કલાનગરીના મહેમાન બન્યા હતાં.

આ ગુજરાતી અર્બન ફિલ્મમાં પરેશ રાવલ ૪૦ વર્ષ બાદ પ્રથમવાર ગુજરાતી ફિલ્મમાં અભિનેતા તરીકે અભિનય આપી રહ્યા છે. ‘માય ડિયર ફાધર’ ફિલ્મ અગાઉ રેવા ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો હતો. એ ફિલ્મના ચેતન ધનાણીએ અભિનયના ઓજસ વાપર્યા હતાં.૧૩ ઓગસ્ટ સુધી આ ફિલ્મનું શુટીંગ શહેરના વિવિધ સ્થળોએ ચાલનાર હોવાનું જાણવા મળ્યું છે. આ ફિલ્મ જાન્યુઆરી ૨૦૨૨માં રીલીઝ થશે.