વડોદરા : કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવતા જ શિક્ષણ વિભાગે ધોરણ ૧૨ ના વર્ગો શરુ કરવાની પરવાનગી આપી છે.ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે ધોરણ ૯ થી ૧૨ ના વર્ષો અભ્યાસ માટે અગત્યના હોઇ તેમજ લગભગ દોઢ વર્ષ જેટલું પ્રત્યક્ષ શિક્ષણને નુકસાન થતું હોઇ ડીઇઓ કચેરીમાં આવેદન આપીને શાળાઓ એસઓપી મુજબ શરુ કરવાની માગ કરી હતી.અને આગામી દિવસમાં શાળા શરુ કરવાની પરવાનગી આપવામા ન આવે તો શાળા સંચાલક મંડળે ઓનલાઇન શિક્ષણકાર્યનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

શિક્ષણ વિભાગે ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓને ૫૦ ટકા ક્ષમતા સાથે શાળામાં બોલાવી ઓફલાઇનની સાથે ઓનલાઇન શિક્ષણ આપવાનું જણાવ્યું છે.પણ ખાનગી શાળા શરુ કરવા શિક્ષણ વિભાગે કોઇ નિર્ણય નહી લેતા કોરોનામાં આર્થિક માર સહન કરી રહેલ સ્વનિર્ભર શાળાઓ શાળા શરુ કરવાની માગ કરી રહ્યા છે.અને આ બાબતે શિક્ષણ વિભાગમાં પણ રજૂઆત કરી છે.છતાં પણ શિક્ષણ વિભાગ દ્વારા કોઇ નિર્ણય લેવામાં નહી આવતા આજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે ડીઇઓ કચેરીમાં આવેદન આપ્યું હતું. અને પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા ટયુશન કલાસ, સરકારી શાળાઓ દ્વારા શેરી શાળાઓ, તેમજ અન્ય વાણીજય અને ધાર્મિક સંસ્થાઓને મંજૂરી આપી છે, તો ખાનગી શાળાઓ સામે આવો અન્યાય શા માટે? પ્રથમ તબક્કામાં સરકારેે ધોરણ ૯ થી ૧૨ ની શાળાઓને ફરી શરુ કરવાની ત્વરીત મંજૂરી આપવી જાેઇએ. ટયુશન કલાસની સરખામણીએ શાળાઓના વર્ગખંડ, શાળાના મકાનો અને સગવડતાઓ સ્વાભાવિક રીતે જ વધારે હોય તેથી ટયુશન કલાસની સરખામણીએ કોવીડ ગાઇડલાઇનનું પાલન વધારે સારી રીતે શાળાઓ કરી શકે છે, પરંતુ શાળાઓને મંજુરી અપાતી નથી તે આશ્ચર્યજનક બાબત છે. તે ઉપરાંત ધોરણ ૯ થી ૧૨ ના વર્ષના અભ્યાસ માટે પણ અગત્યના હોય, તેમનું લગભગ ૧.૫ વર્ષ જેટલુ પ્રત્યક્ષ શિક્ષણનું નુકશાન થયેલ છે, તો સરકાર દ્વારા આ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યનો વિચાર કરી અને વધુ વિલંબ ન કરવા અને સત્વરે શાળાઓ શરુ કરવા દેવા સમગ્ર ગુજરાતના શાળા સંચાલકો અનુરોધ છે.મોટા ભાગના રાજયોએ શાળાઓ શરુ કરવાનો રોડમેપ તૈયાર કરી જાહેર કરી દીધો છે. ત્યારે ગુજરાત રાજયમાં શિક્ષણ વિભાગ અને રાજય સરકારેે આ બાબતે તૈયારી કરવી જાેઇએ.શાળા સંચાલક મંડળે પોતાની માંગણી ન સંતોષાય તો ઓનલાઇન શિક્ષણકાર્ય બંધ કરવાની પણ ચીમકી આપી હતી.