ભરૂચ, છેલ્લા કેટલાક સમયથી ભરૂચ જિલ્લામાં બેફામ રીતે વિદેશી દારૂ ઠલવાય છે. અગાઉ સ્ટેટ વિજીલન્સે સતત ત્રણથી ચાર દિવસ સુધી ભરૂચ જિલ્લાને ધમરોળી ત્રણથી ચાર સ્થાનો પરથી વિદેશી દારૂના જંગી જથ્થાને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ વધુ એક વખત સ્ટેટ વિજીલન્સની ટીમે ભરૂચ તાલુકાના કેલોદ ગામે રેડ કરી વિદેશી દારૂના જંગી જથ્થા સાથે એક ટ્રક સહિત ત્રણ વાહનો અને દસ આરોપીઓને ઝડપી પાડતા વધુ એક વખત ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને તાલુકા પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેટ વિજીલન્સ પોલીસની ટીમે વહેલી સવારે બાતમીના આધારે ભરૂચ તાલુકાના કેલોદ ગામે ભુખી ખાડીની બાજુમાં આવેલ એક મરઘાં કેન્દ્ર ખાતે રેડ કરી હતી. જ્યાં એક હેવી ટ્રક તથા અન્ય બે વાહનોમાં ભરેલ વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો હતો. સ્ટેટ વિજીલન્સની રેડના પગલે વિદેશી દારૂના કટીંગ કરનારાઓમાં નાસભાગ મચી હતી. જાેકે વિજીલન્સની ટીમે ઘેરી લઈ ૧૦ આરોપીની અટકાયત કરી હતી. વિજીલન્સની ટીમે દારૂના જથ્થા સહિત વાહનો અને આરોપીઓને ભરૂચ તાલુકા પોલીસ મથકે સોંપ્યા હતા. જાેકે વિજીલન્સની ટીમે વિદેશી દારૂના જથ્થાની ગણતરી હાથ ધરી હતી. જેમાં અંદાજે ૮૦૦ જેટલી વિદેશી દારૂની પેટીઓ હોવાનું અનુમાન હતું.