સુરત-

સુરતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતની હોસ્પિટલમાં બેડ નથી તો બીજી તરફ કોરોનાના દર્દીની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા રેમડેસીવીર ઇન્જેક્શનની પણ સુરતમાં કમી છે. જેથી ઇન્જેક્શન મેળવવા માટે હોસ્પિટલની બહાર દર્દીના પરિવારજનો લાંબી લાંબી લાઈનો લગાવીને ઉભા રહ્યા છે, ત્યારે સુરતમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે ખાણી-પીણીની લારીઓ, ચાની દુકાન અને પાનના ગલ્લા બંધ કરાવવા માટેના આદેશ સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવ્યા છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, લારી ગલ્લા અને દુકાનો ઉપર લોકોની ભીડ એકઠી થાય છે અને તેના કારણે કોરોનાની ગાઇડલાઇનનો ભંગ થાય છે અને લોકોના એકઠા થવાના કારણે કોરોનાનું સંક્રમણ વધે છે. એટલા માટે પાનના ગલ્લા અને દુકાનો બંધ કરાવવામાં આવી રહ્યા છે. જોકે આ અગાઉ સુરત મહાનગરપાલિકા દ્વારા સાત દિવસ માટે ખાણી-પીણીની લારીઓ અને રેસ્ટોરાં બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ હવે પાનના ગલ્લા અને લારીઓ સુરત મહાનગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવી રહી છે.