આણંદ : આણંદ નગરપાલિકા દ્વારા ૨૦૧૭માં ભૂગર્ભ ગટર યોજનાનું કામ હાથ ધર્યુ હતું. એ વખતે રસ્તાઓનો દાડ વાળી દીધો હતો. ફરી રસ્તાઓના રિસરફેસિંગ માટે કોન્ટ્રેક્ટ આપ્યો હતો. ગટર યોજના અંતર્ગત કામગીરી દરમિયાન રિસરફેસિંગ કરવાનું બાકી હતું. ૧૭ સોસાયટીઓમાં રિસરફેસિંગ રોડ બનાવવા માટે કોન્ટ્રેક્ટર દિનેશ પટેલને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો. ૯ માસમાં કામપૂર્ણ કરવા સમયમર્યાદા નક્કી થઈ હતી. આ કામ આજ સુધી પૂર્ણ કરવામાં આવ્યું નથી. તેમ છતાં કોન્ટ્રેક્ટર દ્વારા રસ્તાઓનું કામ પૂર્ણ કર્યાનો અહેવાલ કરતાં નગરપાલિકા દ્વારા કોઈપણ જાતની ખરાઈ કર્યાં વગર કોન્ટ્રેક્ટર દિનેશ પટેલને ૧,૦૭,૦૭૯૦ રૂપિયાનાં બિલ ચૂકવી દેવામાં આવ્યાં હતાં! આ મુદ્દે કાઉન્સિલર સલીમશા દિવાન દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. છતાં પણ આ બાબતે કોઈ તપાસ ન થતાં આખરે વોર્ડ નં.૫ના કાઉન્સિલરે પ્રાદેશિક નિયામક નગરપાલિકાઓની કોર્ટમાં દાદ માગી હતી. આ અંગે પ્રાદેશિક નિયામક નગરપાલિકાએ સલીમશા દિવાને કરેલી રજૂઆત અંગે પાલિકાના ચીફ ઓફિસરને તપાસ કરીને અહેવાલ રજૂ કરવા ૩ દિવસની મહેતલ આપી હતી.