રાનકુવા, તા.૨૭ 

ગણદેવી તાલુકાના વેગામ ગામના મોટા હળપતિવાસમાં બે મિત્રો વચ્ચે દશ રૂપિયાના ચણા ખરીદવા બાબતે થયેલ બોલાચાલીએ ઉગ્ર રૂપ ધારણ કરતા એક જ વહાણમાં સાથે નોકરી કરતા એક મિત્રએ બીજા મિત્રને ચપ્પુના ઘા મારી પતાવી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

ગણદેવી પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત માહિતી પ્રમાણે વેગામ ગામના મોટા હળપતિવાસમાં રહેતા ચેતન ખાલપભાઇ હળપતિ (ઉ.૩૩) અને જયેશ રમેશભાઇ હળપતિ (ઉ.૩૫) લાંબા સમયથી એકજ વહાણમાં જઇ ખલાસી તરીકે નોકરી કરતા હતા. બંને મિત્રો હોવાના કારણે સાથે જ બોટમાં જતા અને આવતા હતા. હાલમાં ચોમાસાના કારણે બોટ દરિયામાંથી પરત ફરતાંશ્વ, તેઓ બંને ગામ આવી ગયા હતા.અને સાથે જ મિત્ર સાથે હરતા ફરતા હતા. ગઇકાલે તા.૨૫-૬-૨૦૨૦ના રોજ સાંજે દશ રૂપિયાના ચણા ખરીદવા બાબતે બંને વચ્ચે રકઝક થઇ હતી. ચણા જેવી સામાન્ય બાબતે થયેલ બોલાચાલીએ ઉગ્ર રૂપ ધારણ કરતા જયેશ રમેશભાઇ નાયકાએ ઉશ્કેરાટમાં આવી જઇ ચેતન ખાલપભાઇ હળપતિને ચપ્પુ હૂલાવી દેતા તેનું સ્થળ પર જ કરૂણ મોત નીપજયું હતું. મૃતદેહને ગણદેવીની સરકારી હોસ્પીટલમાં પીએમ માટે લવાયો હતો. ગણદેવી પોલીસે હત્યારા જયેશ હળપતિની ધરપકડ કરી આજે અમલસાડની સીએસસી પર કોરોના ટેસ્ટ માટે મોકલી આપ્યો હતો. મરનારના ભાઇની ફરીયાદ આધારે ગણદેવીના પીએસઆઇ કેકે સુરતી વધુ તપાસ કરી રહ્ના છે.