વડોદરા, તા.૨૨ 

હાલ તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે શાકભાજીના ભાવમાં એકાએક ઉછાળો આવતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં ડુંગળી, બટાટાના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓની ચિંતામાં વધારો થયો છે. શાકભાજી માર્કટમાં ડુંગળીના ભાવ રૂા.૬૦ અને બટાટાના ભાવ રૂા.પ૦ પ્રતિકિલોએ પહોંચ્યા છે. જ્યારે અન્ય શાકભાજીના ભાવ પણ રૂા.પ૦ થી ૮૦ પ્રતિકિલો થઈ ગયા છે.

નવરાત્રિ પર્વ સાથે તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે. મા શક્તિની આરાધનાનું પર્વ એવા નવરાત્રિ મહોત્સવની ઉજવણી નગરજનો ભક્તિભાવપૂર્વક કરી રહ્યા છે. આગામી દિવસોમાં દિવાળી પર્વ આવી રહ્યું છે. પરંતુ તહેવારોની મોસમમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. સામાન્ય દિવસોમાં માર્કેટ યાર્ડમાં ર૦ કરતાં વધુ ગાડીઓ આવતી હોય છે. પરંતુ હાલમાં મહારાષ્ટ્ર તેમજ અન્ય રાજ્યોમાં થયેલા પાછોતરા વરસાદને કારણે ૧૦ જેટલી જ ગાડીઓ આવી રહી છે. તો બીજી તરફ હોટેલ-રેસ્ટોરાં પણ શરૂ થઈ ગયાં છે જેથી ડુંટળી-બટાટા તેમજ અન્ય લીલોતરી શાકભાજીની માગ પણ વધી છે.પરંતુ ગરીબોની કસ્તુરી મનાતી ડુંગળી અને બટાટાના ભાવમાં એકાએક વધારો થતાં ગૃહિણીઓની ચિંતામાં વધારો થયો છે. કોરોનાના કારણે મોંઘવારીએ માઝા મુકી છે તેવામાં જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી જતાં સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ડુંગળીના ભાવ પ્રતિકિલોએ રૂા.૬૦ અને બટાટાના ભાવ પ્રતિકિલોએ રૂા.પ૦ પહોંચતાં સામાન્ય લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. જાે કે, વેપારીઓના કહેવા મુજબ બીજા રાજ્યોમાંથી ડુંગળી-બટાટાની આવક ઓછી થતાં ભાવ વધ્યા છે. પરંતુ આવક શરૂ થતાં ભાવનિયંત્રણમાં આવી જશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત કોબીજ, ફલાવર, મેથી, દૂધ, ચોળી, કારેલાં જેવી લીલોતરી શાકભાજીના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે.