વડોદરા

વડોદરા મહાનગર પાલિકાની આરોગ્ય શાખા દ્વારા તહેવારોના દિવસોમાં પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ નવરાત્રી અને દશેરાના દિવસો દરમ્યાન મીઠાઈ અને ફરસાણના વેપારીઓના ઉત્પાદક અને વેચાણ એકમો પર વ્યાપક દરોડા પાડવામાં આવ્યા છે. એમાંય ખાસ કરીને ફાફડા અને જલેબીનું ઉત્પાદન કરાવનારાઓને લક્ષ્યાંક બનાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમ્યાન પાલિકાની આરોગ્ય શાખાની ટીમે શહેરના હજારો વેચાણકર્તાઓ પૈકી આવા માત્ર ૩૭ એકમો અને દુકાનોમાં ચેકીંગ હાથ ધાર્યું હતું. આ વ્યવસાયની સાથે સંકળાયેલા મોટા મગરમચ્છને બક્ષીને નાની નાની માછલીઓને શિકાર બનાવીને આરોગ્ય શાખાની ટીમે મોટો વાઘ માર્યાની કાર્યવાહી કર્યાનો સંતોષ માન્યો હતો. આ કામગીરી દરમ્યાન ફાફડા અને જલેબીના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા કાચા માલસામાનના ૪૦ જેટલા નમૂનાઓ લઈને પૃથ્થકરણને માટે મોકલી આપવામાં આવ્યા હતા.

વડોદરા શહેર વિસ્તારમાં નવરાત્રી તેમજ આગામી દશેરાનાં તહેવાર નિમિત્તે જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઇ પાલિકા કમિશ્નરની સુચનાં મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર અને ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારમાં વિવિધ છ જેટલી ટીમો બનાવવામાં આવી હતી. જેઓ દ્વારા ફાફડા તથા જલેબીનું વેચાણ કરતા મેન્યુફેકચરીંગ યુનિટો તેમજ દુકાનોમાં આકસ્મિક તપાસની કામગીરી કરવા આદેશ આપવામાં આવ્યા હતા. આ ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરોની વિવિધ ટિમો દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં નમુના લેવામાં આવ્યા હતા. જેને પ્રુથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે. તેમજ આ સ્થળોએ ફુડ સેફટી કમિશ્નર ગાંધીનગર દ્વારા કરવામાં આવેલ નોટીફીકેશન મુજબ મિઠાઇમાં બેસ્ટ બીફોર ડેટનું પણ ચેકીંગ કરવામાં આવ્યું હતું.