વડોદરા 

મહાનગર પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ પોતાના રાજકીય આકાને ખુશ રાખવા દંતેશ્વરની જે તે સમયે સંપાદિત જમીનનું માત્ર રૂ.૨.૬૨ લાખના બદલે અધધ અંદાજે સાડા પાંચ કરોડ જેટલું વળતર ચુકાવવાને માટે અધીરા બન્યા છે. પાલિકાના શાસક પક્ષ ભાજપના સત્તાનશીનો પોતાના નેતાના રાજીપાની લઈને આખો મીંચીને ખેરાત કરવાને માટે તત્પર બનતા એની ચોતરફથી ઉગ્ર ટીકાઓ થઇ રહી છે. એટલું જ નહિ, પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષની વધુ પડતી ઉતાવળને લઈને વિપક્ષમાં રોષ વ્યાપ્યો છે. તેમજ આ સંપાદિત જમીનના જંત્રી કરતા બમણા ભાવે વળતર આપવાના કામને રદ્દ કરીને એની વિજિલન્સ તથા લોકાયુક્ત મારફતે તટસ્થ તપાસ કરવાની માગ કરી છે. ગત ૯ ઓક્ટોબરના રોજ મળેલી સ્થાયી સમિતિની મિટિંગમાં ભારે ઉહાપોહના અંતે આ કામ મુલતવી રખાયું હતું. પરંતુ પાલિકામાં થતી ચર્ચા અને વિપક્ષના આક્ષેપ મુજબ ગાંધીનગરથી ઉચ્ચ સત્તાધીશનું દબાણ આવતા પુનઃ આ કામને સ્થાયીમા મંજૂરીને માટે લવાયું છે. જેમાં વડોદરાથી ચૂંટાયેલા નેતાને અંગત રસ હોવાને લઈને તેઓએ પાલિકાના કમિશ્નર અને પોતાના શાસક પક્ષ ભાજપના નેતાઓ પર દબાણ લાવીને યેનકેન પ્રકારેણ કામ મંજુર કરવા ભારે દબાણ કર્યું હોવાનું ચર્ચાય છે. આ બાબતે પાલિકાના શાસકો અને ખાસ કરીને આ નેતાના રાજકીય શિષ્ય એવા સ્થાયી સમિતિના નેતા માત્ર રૂ.૨.૬૨ લાખની સંપાદિત કરેલી જમીન સામે ગુરુદક્ષિણા સ્વરૂપે અંદાજે સાડા પાંચ કરોડ વળતર ચૂકવવા તત્પર થઇ ગયા છે. ઉતાવળા બનીને આ કામમાં અંગત રસ લઇ અન્ય સભ્યોને પણ દબાણ કરીને બહુમતીના જોરે કામ મંજુર કરાવવાને માટે આકાશપાતાળ એક કરી રહયા છે. ત્યારે એવો પ્રશ્ન ઉઠાવાઈ રહ્યો છે કે, કોરોનાને લઈને સર્જાયેલી કંગાળ આર્થિક પરિસ્થિતિમાં પાલિકા પાસે ક્વોટા ફોડવારીના હક્કના કામ કરવા ફૂટી કોળી નથી. તો પછીથી કંગાળ પાલિકા આટલી મોટી રકમ ચુકાવવાને માટે નાણાં ક્યાંથી લાવશે. માત્રને માત્ર રાજકીય આકાને ખુશ કરીને પોતાની અને આકાની દિવાળી સુધારવાને માટે આ કામમાં ઉતાવળ કરાઈ રહી હોવાના આક્ષેપો પણ થઇ રહયા છે. આ કામને બહુમતીના જોરે મંજૂરીની મોહર મારી દેવાય છે, કે વધુ એક વખત પરત કરાય છે. એ જોવું રહ્યું.

જમીન માલિકને બસ્સો ઘણા ઉપરાંતનું વળતર ચૂકવાશે !

સ્થાયી સમિતિ દંતેશ્વરની જે જમીનનું અંદાજે સાડા પાંચ કરોડનું વળતર ચુકવવાને માટે ઉતાવળી બની છે. એ જમીનનું ૨૮૭૮.૫૦ ચોરસ મીટરનું જે તે સમયે વેલ્યુએશન કમિટીએ નક્કી કરેલા રૂ.૯૧ના ભાવ મુજબ માત્ર રૂ.૨,૬૧,૯૪૩.૫૦ વળતર થતું હતું. પરંતુ હાલમાં રાજકીય દબાણને લઈને આ જમીનનું જંત્રીના રૂ.૯૫૦૦ ભાવના ડબલ લેખે એટલેકે રૂ.૧૯૦૦૦ પ્રમાણે ૨૮૭૮.૫૦ ચો.મી.ના રૂ.૫,૪૬.૯૧,૫૦૦ કરોડ એટલેકે બસ્સો ઘણા ઉપરાંતની વધુ રકમ પાલિકા ચૂકવવા જઈ રહી છે.

નિયમોને નેવે મૂકી કેવડિયાનું કામ મંજુર કરવા સામે આક્રોશ

વડોદરા મહાનગર પાલિકાની સ્થાયી સમિતિમાં કેવડિયા ખાતે જ્યારે જ્યારે કાર્યક્રમો કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવે કે પછી કોઈ આયોજનો કરાય ત્યારે મહાનુભાવોના કાર્યક્રમ પહેલા તમામ પ્રકારની સફાઈ, સૅનેટાઇઝેશન, કુતરાઓ સહિતના ઢોરઢાખર દૂર કરવાની જવાબદારી વડોદરા પાલિકા દ્વારા સ્વ ખર્ચે કરવામાં આવશે. એવો ર્નિણય સ્થાયી સમિતિમાં લેવાવા જઈ રહ્યો છે. એનો વિપક્ષ દ્વારા ભારે વિરોધ કરાયો છે. વડોદરાની સફાઈ યોગ્ય રીતે કરી શકાતી નથી તો પછીથી કેવડિયાની જવાબદારી લેવાની શી જરૂર છે? કેવડિયા ખાતે યોજાતા કાર્યક્રમોમાં વડોદરાના નાગરિકો કે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને આમંત્રણ સુદ્ધા આપવામાં આવતું નથી. તો પછીથી એના માટે ગાંઠના પૈસે કામ કરવાની શું જરૂર છે? આ પોલિસી મેટર હોઈ એને સામાન્ય સભામાં રજુ કરવું જોઈએ એવી માગ વિપક્ષી નેતાએ કરી છે.

નવા કાયદા મુજબ વળતર ચુકવવામાં આવે તો જમીનની ૪૦% કપાત કેમ નહિ?

દંતેશ્વરના રેવન્યુ સર્વે નંબર ૩૯૫ના અરજદાર ગોપાલભાઈ ભગવાનદાસ પટેલને વીસ વર્ષ પછીથી નવા કાયદા પ્રમાણે જો વળતર ચુકવવામાં આવે છે. તો પછીથી એમાં નવા કાયદા મુજબ જમીનમાં ૪૦ ટકા કપાતની શરત કેમ મુકવામાં આવતી નથી? એવો અણીયારો પ્રશ્ન વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવ્યો છે. આ કામમાં શહેરના સ્થાયી સમિતિના અધ્યક્ષ પર રાજ્યના અધ્યક્ષનું દબાણ હોવાથી ઉતાવળ કરીને આટલી મોટી રકમ આપવાને માટે ઉતાવળ કરાઈ રહી હોવાનો આક્ષેપ કર્યો છે.

વિધવાએ વિના વળતરે આપેલી જમીનનું લખાણ ગાયબ કરી દેવાયું !

દંતેશ્વરની જે જમીન પર પાલિકાના શાસકો સંપાદિત જમીનનું અનેકઘણું વળતર ચુકવવાને માટે ઉતાવળિયા બન્યા છે. એ જમીનના માલિક દ્વારા જે તે સમયે શહેરના વિકાસને માટે રોડ લાઈન પડી ત્યારે વિના વળતરે જમીન આપી હતી. જેથી ત્યાં ડ્રેનેજ, પાણી, લાઈટ, ટ્રાન્સપોર્ટ સહિતની સારી સુવિધાઓ ઘર આંગણે વિસ્તારના નાગરિકોને મળી રહે. જેનો વિકાસ પાલિકાના ખર્ચે કરવામાં આવ્યો છે. આ જમીન ભગવાનદાસ નાથાભાઈની વિધવા બાઈ સમરતબેનની હતી. પરંતુ વિના વળતરે આપેલી જમીનનું લખાણ ગાયબ કરી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ વિપક્ષી નેતા દ્વારા કરાયો છે.

આજ પેટર્નથી અન્ય જમીનોનું પણ વળતર ચૂકવવાનો કારસો તૈયાર છે?

રાજકીય દબાણને લઈને દંતેશ્વરની જમીનનું બસ્સો ઘણા ઉપરાંત વળતર ચૂકવવાનું આતો પહેલું કામ પાશેરામાં પહેલી પૂણી સમાન છે. આવી બીજી ચારથી પાંચ જમીનોનું કામ આજ પેટર્નથી મંજૂરી આપીને કરોડો રૂપિયાની ખેરાત કરવાને માટે પાલિકાના શાસકો આ કામ મંજુર થાય એની પર બાજ નજર રાખીને બેઠા હોવાના આક્ષેપો વિપક્ષ દ્વારા કરાયા છે. આમાં સફળ થાય તો એજ પેટર્ન પર વળતર મેળવવાને માટે પેન્ડિંગ કેસો પૈકીના અન્યોને પણ ઉભા કરી દઈને ચૂંટણી પહેલા વળતર મંજુર કરીને ફંડ એકત્ર કરી લેશે. એમ ચર્ચાઈ રહ્યું છે.