ગાંધીનગર-

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જ્યાં સુધી પાકને બચાવવાનો હતો ત્યાં સુધીનું પાણી ખેડૂતોને આપવામાં આવ્યું છે. જ્યારે હવે સિંચાઇનું પાણી છોડવામાં નહીં આવે. સાથે જ આવતા વર્ષ સુધીના પીવાના પાણીના રીઝર્વે સ્ટોક બાબતે રાજ્ય સરકાર હવે કટિબદ્ધ છે. સિંચાઇનું પાણી નહીં છોડવાના મહત્વના નિર્ણયની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહાત્મા મંદિર ખાતેથી કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગત મહિને જ પાણી છોડવા બાબતનો નિર્ણય કર્યો હતો અને ખરીફ પાક બચાવવા માટે 30 ઓગસ્ટ સુધી નર્મદા કેનાલ અને અન્ય કેનાલોમાંથી પાણી છોડવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે 30 ઓગસ્ટ નજીક છે અને ખેડૂતો વધુ પાણી છોડવાની માગણી કરી રહ્યાં છે ત્યારે વરસાદની ઘટ દેખાઈ રહી છે. જેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે સિંચાઇનું પાણી નહીં છોડવાનો નિર્ણય કર્યો છે. રૂપાણીએ એવું પણ જણાવ્યું હતું કે હજી સપ્ટેમ્બર માસ બાકી છે ત્યારે રાજ્ય સરકાર આશાવાદી છે કે સપ્ટેમ્બર માસમાં રાજ્યમાં સારો વરસાદ આવે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની ચાલુ સીઝનના વરસાદની ઘટ નોંધાઈ રહી છે. વરસાદ જેટલું જોઈએ તેટલો પડી નથી રહ્યો ત્યારે પાણી મુદ્દે અનેક સમસ્યાઓ સામે આવી રહી છે. આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સિંચાઈના પાણીને લઇ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હવે રાજ્ય સરકાર સિંચાઇનું પાણી નહીં છોડે. હવે રાજ્ય સરકારનું ફોકસ ફક્ત પીવાના પાણીને રીઝર્વ રાખવાનું છે.