વડોદરા, તા. ૧૧ 

અમદાવાદની નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યુરોએ બાતમીના આધારે ગત ૮મી માર્ચ-૨૦૧૮ના રાત્રે વડોદરા રેલવે સ્ટેશન પર વોચ ગોઠવી હતી અને મળસ્કે સાડા ત્રણ વાગે આવેલી દિલ્હીથી મુંબઈ તરફ જતી રાજધાની એક્સપ્રેસના એ-૫ કોચમાં મુસાફરી કરી રહેલા ૩૮ વર્ષીય નાઈજીરિયન યુવક મમ્દુબુઝે નોન્સો ચાર્લ્સની અટકાયત કરી હતી. તેના સામાનની ચકાસણી કરતા તેણે ફુડ પેકેટની અંદર છુપાવેલા રૂપિયા ૬ કરોડની કિંમતના હેરોઈનના ૧.૨૦૦ કિલોના ત્રણ પેકેટ મળી આવ્યા હતા. જંગી જથ્થામાં માદક દ્રવ્ય ઝડપાતા આ બનાવની જે તે સમયે રેલવે પોલીસ મથકમાં એનસીબી દ્વારા ફરિયાદ નોંધવી ચાર્લ્સની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં તેણે જણાવ્યું હતું કે તે બિઝનેશ વિઝા પર ભારતમાં આવ્યો છે અને ચાર વર્ષથી મુંબઈમાં રહે છે અને કપડાનો વેપાર કરે છે. તેણે દિલ્હીથી નાઈજીરિયન સાગરીત પાસેથી આ ડ્‌ગ્સનો જથ્થો લીધો હતો અને તે મુંબઈ પહોંચ્યા બાદ તેને ફોન કરીને જે વ્યકિત આવે તેને આપવાનો હતો. તપાસ અને રિમાન્ડ બાદ મમ્દુબુઝે ચાર્લ્સને રેલવે પોલીસના હવાલે કરાયો હતો અને તે હાલમાં વડોદરાની સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યો છે.

એનસીબી દ્વારા ચાર્લ્સનો પાસપોર્ટ કબજે કરી તેણે અત્યાર સુધી આ રીતે કેટલી વાર દિલ્હી-મુંબઈ વચ્ચે ટ્રાવેલીંગ કરી છે તેની તપાસ કરી હતી અને તે અગાઉ ભારતમાં કેટલી વાર આવ્યો છે તેની નાઈજીરિયન એમ્બેસી પાસે વિગતો માંગી હતી. જાેકે તેના પાસપોર્ટ અને વિઝાની ડિટેઈલની નાઈજીરિયન એમ્બેસી દ્વારા ચકાસણી કરાતા મમ્દુબુઝે નોન્સો ચાર્લ્સે બોગસ પાસપોર્ટના આધારે વિઝા મેળવી ભારતમાં આવ્યો હોવાની ચોંકાવનારી જાણ કરાઈ હતી. આ જાણકારીના પગલે અમદાવાદના એનસીબીના અધિકારી અનુપકુમાર ગુપ્તાએ વડોદરા રેલવે પોલીસમાં મમ્દુબુઝે નોન્સો ચાર્લ્સ વિરુધ્ધ બોગસ દસ્તાવેજ બનાવવાનો તેમજ પાસપોર્ટ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવનીર રેલવે પોલીસના પીઆઈ કે એમ ચૈાધરીએ તપાસ શરૂ કરી છે અને આરોપીની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.