દિલ્હી-

રાષ્ટ્રીય રાજધાનીની સરહદ નજીક વધુ વિરોધીઓ પહોંચી રહ્યા છે અને આંદોલન તીવ્ર થતું હોય તેવું લાગી રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને, દિલ્હી પોલીસે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કર્યો છે અને હરિયાણા અને ઉત્તર પ્રદેશથી રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રવેશના તમામ સ્થળોએ બ્લોકર લગાવવામાં આવ્યા છે. ખેડુતોએ રવિવારે જાહેરાત કરી હતી કે તેઓ આગામી દિવસોમાં દિલ્હીના પાંચ પ્રવેશ માર્ગને અવરોધિત કરશે. તે જ સમયે, આ કાયદાઓની ચર્ચા કરવા માટે કેન્દ્ર સરકારે આપેલી શરતને ખેડુતોએ ઇનકાર કરી દીધો છે અને કહ્યું છે કે તેઓ નિર્ણાયક લડત માટે આવ્યા છે.

તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમની 'મન કી બાત' સાંભળવાની અપીલ કરી છે. સિંઘુ અને ટીકરી બંને સરહદો પર શાંતિપૂર્ણ રીતે દેખાવો ચાલુ છે. અહીં પંજાબ અને હરિયાણાના ખેડુતો સતત પાંચમાં દિવસે એકઠા થઈ રહ્યા છે. પાડોશી રાજ્ય ઉત્તર પ્રદેશથી વધુ ખેડૂતોના આગમન સાથે ગાઝીપુર સરહદે વિરોધ પ્રદર્શન કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે. સિંઘુ બોર્ડર પર એક પત્રકાર પરિષદને સંબોધન કરતા વિરોધ કરી રહેલા ખેડૂતોના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ વિરોધ પ્રદર્શન કરશે. દિલ્હી પોલીસે કહ્યું કે તેણે સુરક્ષા જવાનોની તહેનાતમાં વધારો કર્યો છે અને માર્ગોમાં અનેક સ્તરોના અવરોધો મૂક્યા છે. દરમિયાન, ખેડૂતોના આંદોલનને કારણે દિલ્હીના ઘણા ભાગોમાં ટ્રાફિકને અસર થઈ હતી અને રસ્તાઓ અવરોધિત કરવામાં આવ્યા હતા.