વડોદરા : કોરોના મહામારી સામે રક્ષણ માટે સરકારે વેક્સિનેશન માટે મોટા ઉપાડે જાહેરાત તો કરી, પરંતુ રસીનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળતો ન હોવાથી સેન્ટરોની સંખ્યા ઘટાડવાની સાથે સેન્ટરો પર રસીનો સ્ટોક મર્યાદિત હોવાથી કોવિશિલ્ડનો બીજાે ડોઝ લેવા માટે આવેલા અનેક લોકોને ધક્કો ખાઈને પાછા જવાની ફરજ પડી હતી. આજે વડોદરા શહેરમાં તમામ કેટેગરી મળીને ૧૩૦૭૩ લોકોને રસી આપવામાં આવી હતી.

વિશ્વયોગ દિવસથી સરકારે મહારસીકરણ અભિયાનનો પ્રારંભ કર્યો હતો, જેને લઈને વડોદરા પાલિકાએ પણ ૨૬૦ સેન્ટરો શરૂ કર્યા હતા. પરંતુ હવે છેલ્લા ત્રણ-ચાર દિવસથી સરકાર દ્વારા કોવિશિલ્ડ રસીનો જથ્થો પૂરતા પ્રમાણમાં મોકલવામાં આવતો ન હોવાથી રસીના સ્ટોક મુજબ સેન્ટરોની સંખ્યામાં વધઘટ કરવામાં આવે છે.

દરમિયાન મળતી માહિતી અનુસાર વડોદરા કોર્પોેરેશને આજે કોવિશિલ્ડની ૩૫૦૦ રસી મોકલવામાં આવી હતી, જે આજે વપરાઈ ગઈ હતી. વડોદરા શહેરમાં કોવિશિલ્ડ રસીનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળતો ન હોવાથી ૧૭૦ સેન્ટરોની જગ્યાએ આજે ૯૭ સેન્ટરો પર જ રસી આપવામાં આવી હતી અને સેન્ટરોની સ્ટોકના આધારે વધઘટ કરવામાં આવે છે તેમ પાલિકાના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં ૬.૬૧ લાખ લોકોને કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. હવે આ રસીનો મર્યાદિત સ્ટોક આવતો હોવાથી લોકોને કોવિશિલ્ડનો બીજાે ડોઝ લેવા માટે ધક્કા ખાવા પડે છે. જ્યારે પ્રથમ ડોઝ લેવા માટે આવનારને કોવિશિલડનો ડોઝ આપવામાં આવે છે.

આજે વડોદરા શહેરમાં વિવિધ સેન્ટરો પર ૧૩૦૭૩ લોકોને રસી આપવામાં આવી હતી. આમ ૧૫.૭૧ લાખના ટાર્ગેટ સામે અત્યાર સુધીમાં ૧૧.૭૧ લાખ રસી આપવામાં આવી છે. રસીનો સ્ટોક નહીં હોવાથી કેટલાક સેન્ટરો પર હોબાળો પણ મચ્યો હતો.

સયાજી હોસ્પિટલના વેક્સિનેશન કેન્દ્ર પર સતત બીજા દિવસે હોબાળો

વડોદરા. હાલ સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા રસીકરણના મહાઅભિયાનમાં વડોદરા જિલ્લામાં પણ પૂરજાેશમાં ચાલી રહ્યું છે. રસીકરણના અવેરનેસને પગલે દરેક રસીકરણ કેન્દ્રોમાં વેક્સિનેશન લેવા માટે લોકોની ભારે ભીડ જાેવા મળી રહી છે. એટલું જ નહિ, લોકોને વેક્સિન આપવાનો સ્ટોક પણ ખૂટી પડવાથી લોકોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ વેક્સિન લીધા વગર પાછા જવું પડતું હોવાથી કેટલાકે વેક્સિનેશન કેન્દ્રો પર ઘર્ષણના દૃશ્યો સર્જાય છે અને હેલ્થ વર્કરોને પબ્લિકના રોષનો ભોગ બનવું પડતું હોય છે ત્યારે આજે પણ સયાજી હોસ્પિટલના વેક્સિનેશનના કેન્દ્રો પર વેક્સિનનો જથ્થો ઓછો આવ્યો હોવાથી આજે સતત બીજા દિવસે વેક્સિનેશન માટે આવેલી વ્યક્તિઓ અને હેલ્થ વર્કરો સાથે ઘર્ષણના દૃશ્યો સર્જાતાં ભારે હોબાળો મચ્યો હતો.