વડોદરા

વડોદરા મહાનગર પાલિકાની તાજેતરમાં ૨૧ ફેબ્રુઆરીના રોજ યોજાયેલ ચૂંટણીના ૨૩ ફેબ્રુઆરીના રોજ જાહેર થયેલ પરિણામોમાં વિજેતા બનેલ ભાજપના વોર્ડ-૮ના ઉમેદવાર અને એફઆરસીના પૂર્વ સભ્ય અને પાલિકાની શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ કેયુર રોકડીયાનું સભ્યપદ રદ્દ કરવાને માટે ઓફિસ ઓફ પ્રોફિટ- “લાભના પદ”ના મુદ્દે કોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી છે. અપક્ષ ઉમેદવાર સ્વેજલ વ્યાસ દ્વારા વકીલ સૂર્યકાન્ત વ્યાસ મારફતે વડોદરાના પ્રિન્સીપલ સિવિલ જજ પી.એસ.જાેશીની કોર્ટમાં આ પીટીશન દાખલ કરાઈ છે. જેમાં ચૂંટણી અધિકારી સહીત ૨૪ પક્ષકારોને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ કેયુર રોકડીયાનું પરિણામ રદ્દ કરવાની માગ કરીને ચૂંટણી અધિકારી પર કાયદેસરના પગલાં લેવાની પણ માગ કરવામાં આવી છે. આને લઈને સત્તાના નશામાં અધિકારીઓ પર દબાણ લાવીને ખોટો લાભ મેળવનાર તમામ કાયદાના સાણસામાં ફસાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા પાલિકાની સામાન્ય ચૂંટણી - ૨૦૨૧ અંગેનું જાહેરનામું ૨૩/૦૧/૨૧ના રોજ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. જેમાં વોર્ડ-૮ના ચૂંટણી અધિકારી તેમજ એસડીએમ દ્વારા ૦૧/૦૨.૨૦૨૧ના રોજ ચૂંટણીની અધિકૃત જાહેર નોટિસ બહાર પડાઈ હતી.જેમાં ૧ થી ૬ ફેબ્રુઆરીના રોજ ઉમેદવારીપત્રો ભરવાનો સમય નિયત કરાયો હતો.જયારે ચકાસણી ૮ મીએ રાખી હતી. જેમાં કેયુર રોકડીયાના ઉમેદવારીપત્રની ચકાસણી સમયે સ્વેજલ વ્યાસના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત શૈલેષ અમીન દ્વારા કેયુર રોકડીયા સરકારી લાભનું પદ ધરાવતા હોવાનો વાંધો રજુ કર્યો હતો. જેઓ ચૂંટણી લઢી શકે નહિ. તેમજ જાે ચૂંટાયેલા હોય તો રદ્દ થાય. આજ કારણસર રાજ્યસભાના સાંસદ જયાં બચ્ચન,સીબુ સોરેન અને સોનિયા ગાંધી પણ સાંસદ તરીકે રદ્દ થયા હતા. આ સમયે કેયુર રોકડીયાએ રાજીનામુ આપ્યાનો લેખિત પત્ર રજુ કરી બચાવ કર્યો હતો.પરંતુ ગેઝેટમાં પ્રસિદ્ધ થઈને નિમણુંક પામેલા રોકડીયાએ એક મહિનાની નોટિસ આપીને રાજીનામુ આપવું પડે. એમ બન્યું નહોતું. જાે એ ફિબ્રુઆરી -૨૧માં રાજીનામુ આપે તો એ માર્ચ-૨૧માં સ્વીકારાય. તેમ છતાં રોકડીયાનું ઉમેદવારીપત્ર મંજુર કરાયું હતું. તેમજ એમાં આજ દિવસે બપોરે રાજીનામુ મંજુર કર્યાનો મેઈલ સામેલ કર્યો હતો.જે તદ્દન ગેરકાયદેસર હોવાના આક્ષેપો પણ કરાયા છે.તેમજ આ બાબતને લઈને પીટીશન દાખલ કરાઈ છે.જેમાં તમામ ૨૦ ઉમેદવારોને પક્ષકાર બનાવાયા છે. આ ઉપરાંત ચૂંટણી અધિકારી તેમજ પ્રાંત અધિકારી, જિલ્લા ચૂંટણી અધિકારી, રાજ્ય ચૂંટણી આયોગ અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગને પક્ષકાર બનાવીને ૨૪ને નોટિસ પાઠવી છે.