વડોદરા, તા.૨

રાજ્યભરમાં ચકચાર જગાવનાર શેખ બાબુ હત્યાકાંડના આરોપી પીઆઈ ગોહિલને રેગ્યુલર જામીનઅરજી હાઈકોર્ટમાંથી પાછી ખેંચવાની ફરજ પડી છે. ફતેગંજ પોલીસ મથકમાં પૂછપરછના બહાને બોલાવી હત્યા કરી મૃતદેહને સગેવગે કરી દેવાયો હતો. પોલીસ તપાસમાં પીઆઈ, પીએસઆઈ અને ચાર પોલીસ કર્મચારીઓની સંડોવણી બહાર આવી હતી. હાઈકોર્ટની સૂચના બાદ ૬ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો.

૬ મહિના સુધી પોલીસ છ આરોપીઓને ઝડપી નહીં શકતાં સીઆઈડી ક્રાઈમને મામલાની તપાસ સોંપાઈ હતી. બીજી તરફ આરોપીઓએ અદાલતમાંથી બે વાર આગોતરા જામીન મેળવવાના પ્રયત્નો નિષ્ફળ રહેતાં અંતે પોલીસ સમક્ષ હાજર થયા હતા. દોઢ વર્ષથી જેલની હવા ખાઈ રહેલા પીઆઈ ગોહિલે હાઈકોર્ટમાં રેગ્યુલર જામીનઅરજી મૂકી હતી, જેની સુનાવણી દરમિયાન સિનિયર એડ્‌વોકેટ કાઝી અને ઈમ્તિયાઝ કુરેશીએ દલીલો કરતાં અદાલતે કડક વલણ દાખવ્યું હતું અને જામીનઅરજી પાછી ખેંચો નહીં તો રદ કરવામાં આવશે એમ જણાવતાં જામીનઅરજી પાછી ખેંચવાની ફરજ પડી હતી.

બીજી તરફ કસ્ટોડિયલ ડેથના મામલામાં હાઈકોર્ટ દ્વારા વળતર આપવાની સૂચના શેખ બાબુના પરિવારને આપી હતી એ હજી સુધી નહીં ચૂકવાતા પુત્ર સલીમ સર્વોચ્ચ અદાલત સમક્ષ પહોંચ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.