વડોદરા, તા. ૨૪

શહેર નજીક આવેલા દેણા ગામમાં તાજેતરમાં દલિતો માટેના સ્મશાન બનાવવાના મુદ્દે ગામના મુસ્લીમોના ટોળાએ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની હાજરીમાં જ વિરોધ કરી હુમલો કરવાના બનાવની શાહી સુકાય તે અગાઉ આજે સાંજે ફરી દેણા ગામમાં બે કોમના યુવકો વચ્ચે ક્રિકેટ રમવાના મુદ્દે બોલાચાલી થતાં બંને કોમના ટોળા સામસામે આવી ગયા હતા. આ બનાવની જાણ થતાં ઘટનાસ્થળે દોડી ગયેલી તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એ કે રાઉલજીએ એક મુસ્લીમ યુવકને લાફા ઝીંકતા જ ગામના મુસ્લીમોમાં ભારે રોષ ફેલાયો હતો. આ બનાવના પગલે એકઠા થયેલા મુસ્લીમોના ટોળાએ પોલીસનો ઘેરાવો કરી પુરી દીધા હોવાની વાત ફેલાતા જ દેણા ખાતે ભાદરવા, સાવલી અને વરણામા પોલીસ મથકનો કાફલો ખડકી દઈ પરિસ્થિતિ થાળે પાડવામાં આવી હતી. બનાવના પગલે વીવાયએસપી વાળાએ રાત્રે દેણા ખાતે દોડી જઈ બંને પક્ષોના અગ્રણીઓ સાથે મસલત શરૂ કરી હતી.

દેણા ગામમાં અનુસુચિત જાતિના લોકો માટે વર્ષો જુનુ સ્મશાન આવેલું છે. આ સ્મશાન જર્જરિત હાલતમાં હોઈ તેના નવીનીકરણ માટે સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને તેના નવીનીકરણ માટે ગત ૨૬મી ડીસેમ્બર વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સહિતના રાજકિય અગ્રણીઓની હાજરમાં ખાતમુર્હુતનો કાર્યક્રમ યોજાયો હતો. જાેકે ચાલુ કાર્યક્રમમાં ધસી આવેલા ગામના મુસ્લીમોના ટોળાએ આ કાર્યક્રમનો વિરોધ કરી તોડફોડ કરી હતી અને દલિતોને જાતિવિષયક અપમાન કરી ધમકી આપતા તેની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. આ વિવાદ બાદ દેણા ગામમાં દલિતો અને મુસ્લીમો વચ્ચે ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

દરમિયાન આજે બપોરે સ્મશાન પાસે મુસ્લીમ યુવકો ક્રિકેટ રમતા હોઈ તે મુદ્દે દલિતો અને મુસ્લીમ યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીમાં બંને કોમના ટોળા સામસામે આવી જતા ભારે ઉશ્કેરાટ ફેલાયો હતો. આ બનાવની તાલુકા પોલીસ મથકમાં જાણ કરાતા જ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એ.કે.રાઉલજી સ્ટાફ સાથે દેણા ગામમાં દોડી ગયા હતા. તેમણે બંને કોમના ટોળાની રજુઆત સાંભળ્યા બાદ એક મુસ્લીમ યુવકને ‘તું બહુ દાદો થઈ ગયો છે ?’ તેમ પુછીને લાફા ઝીંક્યા હતા. યુવકને લાફા ઝીંક્યાની જાણ થતાં મુસ્લીમોના ટોળાએ પોલીસ કામગીરીનો વિરોધ કરી પોલીસનો ઘેરાવો કરી હોબાળો મચાવ્યો હતો. ટોળાએ પીએસઆઈ રાઉલજી સહિતના સ્ટાફને ઘેરી લઈ પુરી દીધા હોવાની વિગતો મળતા જ જિલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમમાંથી તાત્કાલિક ભાદરવા, સાવલી અને વરણામા પોલીસને દેણા ખાતે પહોંચવા માટે જાણ કરાઈ હતી. એક સાથે ચાર ચાર પોલીસ મથકના સ્ટાફને દેણા ખાતે દોડાવવામાં આવ્યાની જાણ થતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

ઘટનાસ્થળે દોડી આવેલા પોલીસ કાફલાએ તુરંત ટોળાંને વિખેરી નાખી પીએસઆઈ રાઉલજી સહિતના સ્ટાફને મુક્ત કરાવતા પરિસ્થિતિ થાળે પડી હતી. આ બનાવની જાણ થતાં ડીવાયએસપી સુદર્શન વાળા પણ ઘટનાસ્થલે દોડી આવ્યા હતા. તેમણે દેણા ગામના સરપંચ સહિત બંને કોમના અગ્રણીઓને બોલાવી પુછપરછ શરૂ કરી હતી. ડીવાયએસપી અને માધ્યમોની હાજરીમાં જ એક યુવકે પીએસઆઈ રાઉલજીએ તેને લાફા માર્યાનો આક્ષેપ કર્યો હતો. જાેકે ડીવાયએસપી વાળાએ હાલમાં તે બંને કોમના અગ્રણીઓની પુછપરછ કરી રહ્યા છે અને આ બનાવમાં જે જવાબદાર હશે તેની સામે પગલા લેવાશે તેમ જણાવ્યું હતું. આ બનાવ અંગે પીએસઆઈ રાઉલજીએ તેમનો ઘેરાવો નથી થયો તેમ કહી વધુ કંઈ કહેવાનો ઈન્કાર કર્યો હતો.

દેણામાં રહેતા પેટ્રોલપંપના કર્મચારીઓ પર ભેદી હુમલો થયેલો

દેણા ગામના વણકરવાસમાં રહેતા મહેન્દ્રભાઈ મગનભાઈ પરમાર અને તેમના ગામમાં રહેતા સુમંતભાઈ અંબાલાલ રોહિત કાલાઘોડા પાસે એચડીએફસી બેંકની બાજુમાં નેશનલ સર્વિસ સ્ટેશન ભારત પેટ્રોલિયમ નામના પેટ્રોલપંપ પર કેશિયર કમ ફિલર તરીકે ફરજ બજાવે છે. ગત ૧૯મી તારીખની રાત્રે આ બંને કર્મચારીઓ ડબલસવારીમાં મહેન્દ્રભાઈની બાઈક પર ઘરે જવા માટે નીકળ્યા હતા. તેઓ આરાધના ટોકિઝની બાજુમાં બહુચરાજી સ્મશાનવાળા રોડ પરથી જતા હતા તે સમયે તેઓને આશરે ૨૦થી ૨૫ વર્ષના ત્રણ અજાણ્યા યુવકોએ રસ્તામાં આંતર્યા હતા. તેઓએ કોઈ પણ કારણ વિના બંને પર બેઝબોલની સ્ટીક વડે હુમલો કર્યો હતો જેના કારણે તેઓ બાઈક સાથે નીચે પટકાયા હતા. આ ત્રિપુટી પાસે એક પાસે ગુપ્તી પણ હતી પરંતું તે હુમલો કરે તે અગાઉ અન્ય વાહનચાલક ત્યાં આવી જતા ત્રિપુટી તમારે સ્મશાનની બહુ જરૂર છે તેમ કહી અપશબ્દો બોલી બંને કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થયા હતા. આ બનાવની મહેન્દ્રભાઈએ હુમલાખોર ત્રિપુટી સામે કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.