વડોદરા -

વડોદરા શહેર યુવા કોંગ્રેસ દ્વારા કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર દ્વારા લોકસભા અને રાજ્ય સભામાં બહુમતીના જોરે મંજુર કરવામાં આવેલા કૃષિ બીલોના વિરોધમાં મશાલ સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના ખેડૂતોને આર્થિક નુકશાન પહોંચાડનાર અને ખેડૂતોને કોર્પોરેટ હવાલે કરીને નુકશાન પહોંચાડનાર કૃષિ બિલના વિરોધમાં યુવા કોંગ્રેસ દ્વારા શહેરના ફતેગંજ વિસ્તારમાંથી મશાલ સરઘસ કાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પોલીસ દ્વારા આ મશાલ રેલીને મંજૂરી આપવામાં આવી નહોતી. જેને લઈને ફતેગંજ ખાતે એકત્ર થયેલા વડોદરા શહેર યુવા કોંગ્રેસના યુવાનો દ્વારા મશાલ લઈને સ્થળ પાર ઉભા રહયા હતા. યુવા કોંગ્રેસ દ્વારા મશાલ રેલી કાઢવામાં આવે એ પહેલા સ્થળ પર મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પરંતુ મંજૂરી આપવામાં આવી ન હોઈ કોંગ્રેસના કાર્યકરો દ્વારા સ્થળ પર મશાલ લઈને ઉભા રહીને વિરોધ કરવાનું નક્કી કરાયું હતું. પરંતુ પોલીસ દ્વારા બળપ્રયોગ કરીને હાથમાં મશાલ લઈને ઉભેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવાનું શરુ કર્યું હતું. જેને લઈને પોલીસની કાર્યવાહી સામે રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરો દ્વારા મશાલ રેલીને બાજુ પર મૂકીને પોલીસની કાર્યવાહીના વિરોધમાં રસ્તા પર ચક્કાજામ કરાયો હતો. જેને લઈને પોલીસ દ્વારા યુવા કોંગ્રેસના ચાર કાર્યકરોની અટકાયત કરાઈ હતી. તેમજ તેઓને પોલીસ મથકે લઇ ગયા હતા. યુવા કોંગ્રેસ દ્વારા પોલીસની આ કાર્યવાહીનો ઉગ્ર વિરોધ કરાયો હતો.