વડોદરા : શહેરમાં ફાયર સેફટીનું ઉલ્લંઘન કરનાર, એનઓસી નહીં મેળવનાર કે રિન્યૂ નહીં કરનાર બહુમાળી બિલ્ડિંગો સામે હાથ ધરાયેલી કાર્યવાહી અંતર્ગત આજે અલકાપુરી અને સયાજીગંજ વિસ્તારની વધુ ત્રણ બિલ્ડિંગોના વીજજાેડાણ કાપી સીલ કરવામાં આવી હતી. જ્યારે એક એપાર્ટમેન્ટના વીજજાેડાણ કાપવાની કાર્યવાહી દરમિયાન રહીશોએ વિરોધ કરતાં જાેડાણ ફરી શરૂ કરાયું હતું.

વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા અગાઉ સર્વે કરીને શહેરની સ્કૂલો, હોસ્પિટલો, મોલ, મલ્ટિપ્લેક્સ, કોમર્શિયલ કોમ્પલેક્સ, રેસિડેન્સિયલ મળી ૩૫૦૦ જેટલી બહુમાળી બિલ્ડિંગોને ફાયર એનઓસી મેળવી લેવા, રિન્યૂ કરાવવા, ફાયરના સાધનો રાખવા અને તેનું યોગ્ય મેઈન્ટેનન્સ કરવા નોટિસ આપી હતી, પરંતુ અનેક બિલ્ડિંગોના સંચાલકો દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતાં પાલિકાનો ફાયર વિભાગ, પોલીસ અને વીજ કંપની દ્વારા સંયુક્ત રીતે એનઓસી નહીં લેનાર અને ફાયર સેફટીના નિયમોનું ઉલ્લંઘન કરનાર બિલ્ડિંગો સામે કાર્યવાહી કરતાં ગુરુવારે પાંચ બિલ્ડિંગોના વીજજાેડાણ કાપી નાખવામાં આવ્યા હતા.

આજે ફાયર સેફટીનું ઉલ્લંઘન કરનાર ઈમારતો સામે કાર્યવાહી જારી રાખતાં સયાજીગંજ અને અલકાપુરી વિસ્તારમાં આવેલ પ્રોફિટ સેન્ટર, મુક્તિધામ કોમ્પલેક્સ અને હાર્દિક ચેમ્બર્સ એમ ત્રણ કોમર્શિયલ બિલ્ડિંગોના વીજજાેડાણ કાપી નાખવામાં આવ્યા હતા, જ્યારે રીરાજ એપાર્ટમેન્ટનું વીજજાેડાણ કાપવામાં આવતાં સ્થાનિક રહીશોએ વિરોધ કર્યો હતો, જેથી વીજજાેડાણ પુનઃ શરૂ કરવામાં આવ્યું હતું. હાઈકોર્ટે ફાયર સેફટીના નિયમોનું કડકપણે પાલન કરાવવા રાજ્ય સરકારને સૂચના આપી હતી, જેના આધારે રાજ્ય સરકારે પરિપત્ર જારી કરી દરેક શહેરમાં ફાયર સેફટીના નિયમોનો કડક અમલ કરાવવા માટે સૂચના આપી હતી.