ડભોઇ

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાતને કરફ્યુ મુક્ત બનાવવામાં પોલીસની મહત્વની ભૂમિકા રહી છે. ગુજરાતમાં શાંતિ અને સુરક્ષા અકબંધ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાયદાઓને વધુ મજબૂત કરવામાં આવ્યા છે. એટલું નહી, પોલીસ વિભાગનું સુદ્રઢીકરણ પણ કરવામાં આવ્યું છે.

ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે પ્રયાગ તીર્થ ચાણોદ ખાતે નૂતન ચાણોદ પોલીસ સ્ટેશન, પોલીસ આવાસ, ડેસરમાં પોલીસ આવાસનું લોકાર્પણ અને વડોદરા તાલુકામાં ભાયલી પોલીસ સ્ટેશનના ખાતમુહૂર્ત મળી કૂલ રૂ. ૧૯.૫૧ કરોડના વિકાસ કામો પ્રજાને અર્પણ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, કોરોના સંક્રમણને અટકાવવા માટે પોલીસે ઉત્તમ કામગીરી કરી છે. જેને પરિણામે જનમાનસમાં પોલીસની શ્રેષ્ઠ છબી પ્રતિબિંબિત થઇ છે. લોકડાઉન દરમિયાન પોલીસ દ્વારા વરિષ્ઠ નાગરિકોને ભોજન, અતિવૃષ્ટિમાં રાહત અને બચાવ તથા પ્રવાસી શ્રમિકોને વતનમાં પહોંચાડવા સહિતની કામગીરી સરાહનીય છે. ગુંડા ગુજરાત છોડે તે નાદ સાથે રાજ્યમાં ગુંડા નાબૂદી ધારાને વધુ અસરકારક બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત પાસાના કાયદાને વધુ મજબૂત સાથે લેન્ડ ગ્રેબિંગ ધારાને પણ અમલી બનાવવામાં આવ્યો છે. ગરીબો અને પીડિતોને રંજાડનારા તત્વો સામે કાયદાનું શસ્ત્ર ઉગામી જેલ ભેગા કરવામાં આવશે, તેમ જાડેજાએ દૃઢ નિર્ધાર સાથે જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયાને આઠ ટ્રેન થકી દેશના વિવિધ ક્ષેત્ર સાથે જાેડ્યું છે. તેના થકી આ વિસ્તારને લોકો ઉપરાંત અહીં આવતા પ્રવાસીઓને સારી સવલત મળશે. તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કહેતા હતા કે વિશ્વમાં જે શ્રેષ્ઠ છે એ મારે મારા ગુજરાતમાં લાવવું છે. તેનું ઉત્તમ ઉદાહરણ કેવડિયા છે. ચાણોદ એ કેવડિયા રેલ માર્ગે આવતું મહત્વનું ધાર્મિક અને આસ્થાનું કેન્દ્ર છે.

આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા, કેતનભાઇ ઇનામદારે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. પ્રારંભમાં વડોદરા શહેર પોલીસ કમિશનર શમશેરસિંઘે સ્વાગત પ્રવચન કર્યું હતું. અંતે, જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઇએ આભાર વિધિ કરી હતી.