આણંદ : આણંદ-વિદ્યાનગર રોડ ઉપર એસીબીના છટકામાં ઝડપાયેલાં અમદાવાદ રેન્જની આરઆર સેલના એએસઆઈ પ્રકાશસિંહના રિમાન્ડ દરમિયાન કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવી છે. એસીબીના અધિકારીઓને પ્રકાશસિંહના કેટલાંક લોકલ વહીવટદારોની માહિતી મળી છે. એસીબી દ્વારા આ લોકલ વહીવટદારોની તપાસ કરવામાં આવશે, જેને લઈ; બીજી અનેક સ્ફોટક માહિતી બહાર આવે તેવી સંભાવના છે! 

સૂત્રોના જણાવ્યાં અનુસાર, ખંભાતના ડુપ્લિકેટ ખાતર કૌભાંડમાં ૬૦ લાખની લાંચ માગ્યાં પછી ૫૦ લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયેલાં આરઆર સેલના સ્ક્વોડના એએસઆઈ પ્રકાશસિંહ રાઓલના આજે ચાર દિવસના રિમાન્ડ પૂર્ણ થયાં હતાં. ચાર દિવસના રિમાન્ડ દરમિયાન એસેબીએ પ્રકાશસિંહ પાસેથી અનેક સ્ફોટક માહિતી ઓકાવી હોવાનું કહેવાય છે. ખાસ કરીને પ્રકાશસિંહના નેટવર્કની ઝીણામાં ઝીણી માહિતી એસીબી દ્વારા મેળવવામાં આવી છે. એવું કહેવાય રહ્યું છે કે, પ્રકાશસિંહના ફોલ્ડરિયાઓ પર ગાજ વરસવાની છે.

ગુજરાત એસીબીની સૌથી મોટી ટ્રપમાં સપડાયેલાં ભ્રષ્ટાચારી એએસઆઈ પ્રકાશસિંહ રાઓલનું નેટવર્ક ખુબ મોટું છે. એવું કહેવાય છે કે, પ્રકાશસિંહે મોટાભાગના જિલ્લામાં પોતાના ફોલ્ડરિયાઓ રાખ્યાં હતાં. તેમનાં સહારે લાંચના વહીવટ કરતો હતો. એવું પણ કહેવાય છે કે, પ્રકાશસિંહના અમુક ફોલ્ડરિયાઓ આજે પણ આણંદ જિલ્લામાં ફરજ બજાવી રહ્યાં છે. આ વહીવટદારોને ડર છે કે, પ્રકાશસિંહ વટાણાં વેરી દેશે તો નક્કી તેઓનું પણ આવી બનશે.

સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, પ્રકાશસિંહે પોતાના ફોલ્ડરિયાઓની માહિતી એસીબીને આપી દીધી છે. આગામી દિવસોમાં એસીબી એક પછી એક ફોલ્ડરિયાને પૂછપરછ માટે બોલાવે તેવી શક્યતા છે. આ ફોલ્ડરિયાઓ પણ અપ્રમાણસર મિલકત ધરાવતાં હોવાની ચર્ચા છે. એસીબી દ્વારા આ વહીવટદારોને ટુંકમાં જ સમન્સ પાઠવવામાં આવશે, તેમ સૂત્રોનું કહેવું છે.

ભ્રષ્ટાચારી એએસઆઈ પ્રકાશસિંહના લોકલ વહીવટદારોની એસીબી દ્વારા તપાસ કરવામાં આવશે તેવી માહિતી બહાર આવતાં જ લોકલ વહીવટદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને એસીબીની કાર્યવાહીમાંથી બચવા માટે આ વહીવટદારો પોતાના આકાઓની શરણે ગયાં હોવાનું કહેવાય છે.

પ્રકાશસિંહનો મોબાઇલ છેક ઉપર સુધી રેલો લઈ જવાનું કારણ બનશે?

ખંભાતના ડુપ્લિકેટ ખાતર કૌભાંડમાં આરોપી તરીકે નામ ન ઉમેરવા માટે આરઆર સેલના એએસઆઇ પ્રકાશસિંહ દ્વારા ૫૦ લાખની લાંચ લેતાં રંગેહાથ એસીબીએ ઝડપી લીધો હતો. પ્રકાશસિંહની ધરપકડ બાદ એસીબીએ મેળવેલાં ૪ દિવસના રિમાન્ડમાં અનેક રહસ્યો બહાર આવ્યાં છે. એવું કહેવાય છે કે, પ્રકાશસિંહનો મોબાઇલ લાંચકેસનો આ રેલો છેક ઉપર સુધી લઈ જશે! પ્રકાશસિંહના મોબાઇલે અનેક સ્ફોટક રહસ્યોને છત્તા કરી દીધાં હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. લાંચ લીધાં પછી પ્રકાશસિંહે પોતાના આકાને કોલ કર્યો હોવાનું પણ કહેવાય છે. આ કોલ ગુજરાતના પોલીસબેડામાં ખળભળાટ મચાવે તેવી શક્યતા છે.