કેવડિયા-

પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદી પહોંચી ચૂક્યા છે. હવે પ્રધાનમંત્રી મોદી એરફોર્સના હેલિકોપ્ટરમાં કેવડિયા પહોંચી ગયા છે. પ્રધાનમંત્રી મોદી ઓલ ઈન્ડિયા ડિફેન્સ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે અને ત્યારબાદ બપોરે સાડા ત્રણ કલાકે કેવડિયાથી અમદાવાદ માટે રવાના થશે. અને સાડા ચાર કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી મોદી દિલ્હી જવા રવાના થશે. ત્રણેય સેનાના ટોપ કમાન્ડર્સને પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે. 

ઓલ ઇન્ડિયા કમાન્ડર કૉન્ફરન્સ 3 દિવસથી સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે ચાલી રહી છે. શુક્રવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આ કૉન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે આજે વડાપ્રધાન આ કૉન્ફરન્સના સમાપન સમારોહમાં આવી રહ્યા છે. સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે આ પ્રથમ અવસર છે કે, દેશના આર્મી, નેવી, એરફોર્સના વડા સાથે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ હાજર રહ્યા હતા. 

આ પહેલા આર્મી-ડિફેન્સના અધિકારીઓને દિલ્હીથી એર ઇન્ડિયા પ્લેનમાં વડોદરા લવાયા હતા, જ્યાંથી સીધા હેલિકોપ્ટર માર્ગે કેવડિયા પહોંચાડી કારમાં ટેન્ટ સિટીમાં લઇ જવાયા હતા. હેલિકોપ્ટરના ફેરા મારી અધિકારીઓને કેવડિયા પહોંચાડવામાં આવ્યા હતા. ડિફેન્સની આ કોન્ફરન્સને લઈને હેલિકોપ્ટરોની અવારજવર સાથે, સંરક્ષણ મંત્રી, પીએમ અને દેશની સુરક્ષાને સંભાળતા ત્રણેય વડાઓ હાજર હોય છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી જિલ્લા કલેકટર દ્વારા ગરુડેશ્વર તાલુકો કેવડિયા વિસ્તારનો ડ્રોન ઝોન નક્કી કરી રિમોટ ડ્રોન પ્રતિબંધિત કરી દેવાયા છે.