ગાંધીનગર-

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત રીતે ગુજરાતના ગાંધીનગરમાં આયોજિત રોકાણકારોની સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ નેશનલ ઓટોમોબાઇલ સ્ક્રેપેજ પોલીસી લોન્ચ કરી. વાહન સ્ક્રેપિંગ નીતિનો ઉદ્દેશ દેશભરમાં ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન અને રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ સુવિધાઓના રૂપમાં સ્ક્રેપિંગ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો છે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં આ પોલીસીના ફાયદાઓ ગણાવ્યાં છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે સામાન્ય પરિવારોને દરેક રીતે આ પોલીસીથી ઘણો ફાયદો થશે. પહેલો ફાયદો એ થશે કે જૂના વાહનને સ્ક્રેપ કરવા પર પ્રમાણપત્ર આપવામાં આવશે.જે વ્યક્તિ પાસે આ પ્રમાણપત્ર છે તેણે નવા વાહનની ખરીદી પર નોંધણી એટલે કે રજીસ્ટ્રેશન માટે કોઈ પૈસા/ ચાર્જ ચૂકવવા પડશે નહીં.આ સાથે તેને રોડ ટેક્સમાં પણ કેટલીક છૂટ આપવામાં આવશે.બીજો ફાયદો એ થશે કે જૂના વાહનની જાળવણી કિંમત, સમારકામ ખર્ચ, બળતણ કાર્યક્ષમતા પણ આમાં બચશે.ત્રીજો લાભ જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે. જૂના વાહનો, જૂની ટેકનોલોજીના કારણે માર્ગ અકસ્માતનું જોખમ ઘણું વધારે છે, જે રાહત આપશે. ચોથું, તે આપણા સ્વાસ્થ્ય પર પ્રદૂષણની અસરને પણ ઘટાડશે.