વડોદરા : કોરોનાની સારવાર આપી રહેલ શહેરની કેટલીક ખાનગી હોસ્પિટલોના તબીબ સંચાલકો દ્વારા દર્દીનું મૃત્યુ થયા બાદ બોડીનો સીધેસીધો નિકાલ કરવાને બદલે સ્મશાનમાં વેઈટિંગ ચાલતું હોવાનું કહી મૃતદેહોને કોલ્ડરૂમમાં મૂકવાના બહાને સયાજી હોસ્પિટલમાં મોકલી મૃતદેહોના નિકાલની અને તે અંગેના ખર્ચમાંથી બચવાના પ્રપંચ કરી રહ્યા હોવાથી એસએસજી હોસ્પિટલના તબીબો દ્વારા ઉચ્ચસ્તરીય રજૂઆત કરવામાં આવી હતી કે તમામ ખાનગી હોસ્પિટલોને કોવિડની ગાઈડલાઈન હેઠળ મૃતદેહોના નિકાલ કરવાનો આદેશ હોવા છતાં તેઓ જવાબદારીમાંથી છટકી મહેનત અને નાણાંનો બચાવ કરે છે. જેના પરિણામે સેવા સદનના આરોગ્ય વિભાગના તબીબ અમલદારે ખાનગી હોસ્પિટલના તબીબ સંચાલકોને સયાજી હોસ્પિટલમાં કોવિડની ડેડબોડીઓ ન મોકલવાની મૌખિક સૂચના આપી હોવાનું જાણવા મળે છે. 

શહેરની કેટલીક ખાનગી અને મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલો કોરોનાની સારવાર દરમિયાન લાખો રૂપિયાનું બિલ વસૂલતી હોય છે તેમ છતાં દર્દીના મૃત્યુ બાદ તેના મૃતદેહને વેઈટિંગ તેમજ કોલ્ડરૂમમાં મૂકવાના બહાને અંતિમવિધિ માટે સયાજી હોસ્પિટલમાં ધકેલી દે છે. જેથી સયાજી હોસ્પિટલના તબીબોને નાછૂટકે મૃતકોની અંતિમવિધિની પ્રક્રિયા કરવી પડતી હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં કોવિડ-૧૯ની સારવાર માટે અનેક હોસ્પિટલો નિયત કરવામાં આવી છે. દર્દીની સારવાર વખતે આ હોસ્પિટલો મસમોટું બિલ વસૂલતી હોય છે. એકવાર દર્દીને રજા આપ્યા બાદ હોસ્પિટલની કોઈ જવાબદારી ન હોય તે રીતે હોસ્પિટલના સંચાલકો વર્તી રહ્યા છે. થોડાં દિવસ પૂર્વે જ નિઝામપુરાના એક કોવિડ દર્દી ફતેગંજની ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા બાદ રજા આપતાં ઘરે લઈ ગયા હતા. ઘરે તેમની હાલત નાજુક થતાં પરિવારજનો તાત્કાલિક તેમને લઈને હોસ્પિટલ પરત આવ્યા તે દરમિયાન રસ્તામાં દર્દીનું મૃત્યુ થયું હતું. દર્દીની અંતિમવિધિ કરવાની પ્રક્રિયા કરવાને બદલે તેમના મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ધકેલી દેવામાં આવ્યો હતો. એવી જ રીતે, ગઈકાલે મોડી રાત્રે પણ આજ ફતેગંજ વિસ્તારની હોસ્પિટલના તબીબોએ મૃતદેહને સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જાે કે, સયાજી હોસ્પિટલના સત્તાવાળાઓએ માનવતા દાખવી કોરોના પ્રોટોકોલ હેઠળ પીપીઈ કિટ સાથે મૃતક દર્દીની અંતિમવિધિ પૂર્ણ કરી હતી. પરંતુ ખાનગી હોસ્પિટલો કોરોનાના કાળમાં માનવતા ભૂલી ગયાના અનેક કિસ્સાઓ સપાટી પર આવી રહ્યા છે. તેવા સમયે સયાજી હોસ્પિટલના તબીબોમાં નારાજગી વ્યાપી છે અને આ મામલે ઉચ્ચસ્તરીય યોજાયેલ બેઠકમાં ખાનગી હોસ્પિટલમાંથી કોવિડની આવતી ડેડબોડીઓ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. જાે કે, સેવા સદનના આરોગ્ય વિભાગના તબીબ અમલદારે ખાનગી હોસ્પિટલોને સયાજી હોસ્પિટલમાં કોરોનાની ડેડબોડી ન મોકલવાની મૌખિક સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.