નડિયાદ, તા.૨૦ 

ખેડા જિલ્લાના નડિયાદ શહેરના બસ સ્‍ટેશન ઉપર આજે પંજાબ નેશનલ બેંકના ચીફ મેનેજર રાજેન્‍દ્ર પાંડે, સુમીત જૈન તથા નડિયાદ એસટી ડેપોના મેનેજર રીનાબેન દરજીનાં હસ્‍તે નડિયાદ એસટી બસ સ્‍ટેશનના કર્મચારીઓને માસ્‍ક તેમજ સેનિટાઇઝરની બોટલોનું વિતરણ કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે રાજેન્‍દ્ર પાંડેએ જણાવ્‍યું હતું કે, કોરોના મહામારીની વૈશ્વિક અસરની સામે બધા પોતાની રીતે લડી રહ્યાં છે. ત્‍યારે એેસટી વિભાગના કર્મચારીઓ પણ કોરોના વોરિયર્સની જેમ જ જંગ ખેલી રહ્યાં છે. એસટીના કર્મચારીઓ બસ દ્વારા પેસેન્‍જરોને એક સ્‍થાનેથી બીજા સ્‍થાને પોતાના જીવના જાેેખમે લઇ જાય છે. તેઓએ એસટીના કર્મચારીઓની સેવાઓને બિરદાવી હતી. એસટી ડેપોના મેનેજર રીનાબેન દરજીએ પંજાબ નેશનલ બેંકનો આભાર વ્‍યક્ત કરતા જણાવ્‍યું હતું કે, એસટીના કર્મચારીઓની સેવાઓને બિરદાવી બેંક મેનેજરે આપણને વધુ જવાબદારી સાથે આપણી ફરજાે પૂરી પાડવાની ફરજ પણ યાદ કરાવી છે. અમે તેને અનુસરી ઉત્તમ સેવાઓ આપીશું.

નડિયાદ એસટી ડેપોના કન્‍ડકટર દુર્ગેશભાઇ પંચાલએ જણાવ્‍યું હતું કે, આ મહામારીમાં બેંક દ્વારા નડિયાદ એસટી ડેપોના કર્મચારીઓના સ્‍વાસ્‍થ્‍યની ચિંતા કરી બેંકના અધિકારીઓ દ્વારા અમને માસ્‍ક અને સેનિટાઇઝર આપવામાં આવ્યા છે, તે બદલ સમગ્ર ડેપોના કર્મચારીઓ વતી હું બેંકનો આભાર માનું છું. આ પ્રસંગે એસટી વિભાગના કર્મચારીઓને માસ્‍ક અને સેનિટાઇઝરનું વિતરણ મહાનુભાવોના હસ્‍તે કરવામાં આવ્યું હતું.