મહુધા : ખેડા જિલ્લાના મહુધામાં ભ્રષ્ટાચારનું સંક્રમણ તેજ થઈ ગયું છે. હવે આ સંક્રમણનો શિકાર નાના ભૂલકાંઓ, સગર્ભા અને ધાત્રી બહેનોની કાળજી માટે બનાવેલાં આઇસીડીએસ વિભાગમાં ખુદ મહિલા કર્મચારીઓ બન્યાં છે. ખેડા વહીવટી તંત્ર આ સંક્રમણ પર કાબૂ મેળવવાના અસરકારક પગલાં ભરવામાં નિષ્ફળ નીવડ્યું હોય તેમ લાગી રહ્યું છે.સૂત્રોના જણાવ્યાં મુજબ, મહુધા તાલુકામાં નાના ભૂલકાંઓ, સગર્ભા અને ધાત્રી બહેનો માટે કામ કરતી અનેક આંગણવાડી કાર્યકર બહેનો આજ વિભાગના કર્મચારીઓના ભ્રષ્ટાચારના લક્ષણોથી ભયભીત બની છે. આ મહિલાઓના આક્ષેપ મુજબ, ઉઘાડેછોગ દરેક કાર્યકર પાસેથી નાણાં ઉઘરાવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં અલીણા વિભાગમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતાં એક મહિલા પ્રત્યેક મહિલા આંગણવાડી કાર્યકર પાસેથી રૂ.૨૦૦૦ સુધીના હપ્તા ઉઘવરાવતા હોવાની લેખિત ફરિયાદ મહુધા મહિલા તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવી હતી. આ ફરિયાદમાં  મહિલા અધિકારી દ્વારા જિલ્લા કક્ષાએ પંચાયતી અધિનિયમ અંતર્ગત કાર્યવાહી કરવા રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આમ છતાં ફરી એક વખત સણાલી વિભાગના એક મહિલા કર્મચારી રૂ.૨૦૦૦ ઉઘરાવતા હોવાની સંખ્યાબંધ આંગણવાડી કાર્યકર બહેનોએ લેખિતમાં ફરિયાદ કરતાં ખળભળાટ મચી ગયો છે. એકતરફ મહિલા સશક્તિકરણ અને પારદર્શી વહીવટ આપવાની સરકારની નેમ છે ત્યારે ખેડા જિલ્લામાં મોટો ધક્કો વાગી રહ્યો છે. ખેડા જિલ્લામાં વહીવટી તંત્ર આ સંક્રમણ પર કાબૂ મેળવવાના અસરકારક પગલાં ભરવામાં નિષ્ફળ નીવડ્યું હોય તેમ લાગી રહ્યું છે.