નવી દિલ્હી

પાકિસ્તાન પ્રવાસમાં હાર બાદ દક્ષિણ આફ્રિકાના ક્રિકેટમાં પરિવર્તનનો તબક્કો શરૂ થઈ ગયો છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ક્વિન્ટન ડી કોકને કેપ્ટનશીપથી દૂર કરી દીધો છે અને તેની જગ્યાએ ટેસ્ટ, વનડે અને ટી ૨૦ ટીમોના નવા કેપ્ટન બનાવવામાં આવ્યા છે. હવે ડીન એલ્ગર ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ કરશે અને ટેમ્બા બાવુમા વનડે અને ટી ૨૦ ટીમનું નેતૃત્વ કરશે. બોર્ડે ગુરુવારે આ ર્નિણય અંગે માહિતી આપી હતી. તમને જણાવી દઇએ કે આ વર્ષના પાકિસ્તાન પ્રવાસ દરમિયાન દક્ષિણ આફ્રિકાની ટીમને ટેસ્ટ ઉપરાંત ટી-૨૦ શ્રેણીમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. ગયા વર્ષથી ડી કોક ત્રણેય ફોર્મેટમાં ટીમની કમાન પણ સંભાળી રહ્યો હતો. પરંતુ હવે ટીમની જવાબદારી આ બંને ખેલાડીઓના હાથમાં રહેશે. ગયા વર્ષે ડી કોકને અસ્થાયીરૂપે દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

ક્રિકેટ સાઉથ આફ્રિકાએ એક નિવેદન બહાર પાડતાં કહ્યું છે કે બાવુમા ૨૦૨૧ અને ૨૦૨૨ માં યોજાનારા ટી ૨૦ વર્લ્ડ કપ તેમજ ૨૦૨૩ માં ભારતમાં વન ડે વર્લ્ડ કપમાં ટીમનો ચાર્જ સંભાળશે. તે જ સમયે એલ્ગર આગામી ટેસ્ટ ચેમ્પિયનશિપ સુધી ટેસ્ટ ટીમનો કેપ્ટન રહેશે.